બહુચરાજીની મુખ્ય બજારમાં દયાનંદ કોમ્પલેક્ષની સામે હરિઓમ ફર્નિચરની આડમાં દુકાનમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડની પુરવઠા વિભાગની તપાસમાં વેપારી દ્વારા ગેસના કાળાબજાર કરવામાં આવતાં હોવાનું ખૂલ્યું છે. જે અંગે મામલતદાર ડૉ. જેનીસ પાંડવે 554 બાટલા સહિત રૂ.5.89 લાખનો મુદામાલ સીઝ કરી દુકાનદાર વિરલ ભુપેન્દ્ર કંસારા અને આશીષ ભુપેન્દ્ર કંસારા તેમજ કોન્ફીડેન્સ પેટ્રોલિયમ ઈન્ડિયા લી. નાગપુર, મહારાષ્ટ્ર વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, પુરવઠા વિભાગની તપાસમાં મુખ્ય બજાર અને ગીચ વિસ્તારમાં એક્સ્પ્લોઝિવ પરવાના વગર સ્ફોટક પદાર્થોની અનધિકૃત હેરાફેરી અને જાહેરહિતને જોખમમાં મુકવાની પ્રવૃત્તિ કરવી, મોટા બાટલામાંથી નાનામાં ગેસ ભરી અનધિકૃત વેચાણ કરવું, સરકાર સબસિડીવાળા ગેસને ખાનગી બાટલામાં ભરી ખાનગી ગેસના ભાવે વેચી કાળાબજારી કરવી, એલપીજી ગેસના લે-વેચ અંગેનું રજીસ્ટર, હિસાબ કે ચોપડા નહીં રાખવા તેમજ ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ પુરવઠા અને વિતરણ નિયમનની જોગવાઈઓનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
તપાસ દરમિયાન દુકાનમાંથી સરકારી તેમજ ખાનગી કંપનીઓના 204 સિલિન્ડર, 109 નાનાં રેગ્યુલેટર, 8 મોટા રેગ્યુલેટર, 5 નંગ છકડાના મોટા રેગ્યુલેટર, ઈલેકટ્રીક મોટરપંપ, ગેસ રિફિલિંગ કરવા માટેની પાઈપ સહિત રૂ.1,68,680નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે ગોડાઉનમાંથી રૂ.4,20,650ની કિંમતના 350 સિલિન્ડર મળી આવ્યાં હતાં. જેમાં 144 કોમર્શિયલ અને 15 ઘરેલુ સિલિન્ડર મળી 350 સિલિન્ડર મળી આવતાં જપ્ત કર્યા હતા.
પુરવઠા વિભાગની તપાસમાં બહાર આવેલી ગેરરીતિઓ
1. એલપીજીના ઘરેલુ વપરાશના કે કોમર્શિયલ સિલિન્ડર સંગ્રહ કરવાનો પરવાનો ધરાવતા નથી.
2. એલપીજી ગેસના ધંધા/વ્યવસાય કરવા અંગેનું સરકારનો પરવાનો ધરાવતા નથી.
3. વ્યવસાય અંગે કોઇ એલપીજી ગેસ વ્યવસાયનું કોઇ રજીસ્ટ્રેશન ધરાવતા નથી.
4. આવશ્યક ચીજવસ્તુ તરીકે એલપીજી સંગ્રહ કરવા અંગેનો એક્સ્પ્લોઝિવ પરવાના ધરાવતા નથી.
5. ગો ગેસ કંપનીની એજન્સીનું કહી વેપાર કરતા હતા, પરંતુ કંપની સાથેના કોઇ પુરાવા રજૂ કર્યા નથી.
6. ગેરકાયદે મોટા એલપીજી ગેસ સિલિન્ડરમાંથી નાના સિલિન્ડર ભરી કાળાબજારના ભાવે વેચતા હતા.
7. દુકાન અને સોમનાથ કોમ્પલેક્ષ સ્થિત ગોડાઉનમાંથી મળેલા બાટલામાં 33 સરકારી કંપનીનાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.