આજે ચૈત્રી પૂનમ:બહુચરાજીને જોડતા માર્ગો પર માનો જયઘોષ ગૂંજી ઊઠ્યો

બહુચરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મા બહુચરના પ્રાગટ્ય દિને રાજ્યભરમાંથી ઊમટી પડેલા ભક્તોથી યાત્રાધામ ઉભરાશે
  • બીજા ​​​​​​​દિવસે ત્રણથી સાડા ત્રણ લાખ ભક્તોએ માનાં દર્શન કર્યાં, 600થી વધુ સંઘોનું આગમન

આજે શનિવારે ચૈત્રી પૂનમ, મા બહુચરનો પ્રાગટ્ય દિવસ હોઇ માના દરબારમાં ભરાયેલા મેળામાં હૈયે હૈયું ચંપાય તેવી ભીડ જામશે. લાખો ભક્તો માનાં પાવનકારી દર્શન કરી ધન્ય બનશે. તે પૂર્વે શુક્રવારે દૂર દૂરથી નીકળી પડેલા અનેક ભક્તો પગપાળા સંઘો લઇને પહોંચી ગયા છે, તો કેટલાય પહોંચવામાં છે. રાત્રે મંદિર પરિસર, શક્તિચોક તેમજ હાઇવે વિસ્તાર માઇભકતોથી ઊભરાયો હતો. અંદાજ મુજબ મેળાના બીજા દિવસે ત્રણ લાખથી સાડા ત્રણ લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. તો 600થી વધુ સંઘોનું આગમન થયું હતું.

મંદિરમાં માતાજીના દર્શન કરવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહી પ્રતિક્ષા કરતાં ભક્તોને લાઈનમાં જ પીવાનું શુદ્ધ પાણી અને ઠંડી છાશ મળી રહે તે માટે આનંદ ગરબા મંડળના 100થી વધુ સ્વયં સેવકો ખડેપગે નિષ્કામભાવે સેવા આપી રહ્યાં છે. તો ગ્રામજનો મેળાનું જીવંત પ્રસારણ જોઈ શકે તેવી ચેનલ દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ છે. મંદિર સંકુલમાં પણ ટીવી ગોઠવાયાં છે. ગરમીને ધ્યાનમાં લઇ મંડપમાં પંખા, ફુલર અને ફૂવારા મુકવામાં આવ્યા છે.

આજે ગાર્ડ ઓફ ઓનર સાથે માતાજીની પાલખી નીકળશે
શનિવારે પૂનમની રાત્રે 9-30 વાગે કલાકે ગાર્ડ ઓફ ઓનર સાથે મા બહુચરની શાહી સવારી બહુચરાજી નીજમંદિરેથી નીકળી શંખલપુર ટોડા માતાજીના મંદિરે પહોંચશે. જ્યાં ગ્રામજનો દ્વારા માતાજીની પાલખીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે. મંદિરમાં માતાજીની પૂજા-અર્ચના બાદ પાલખી ગામનું પરિભ્રમણ કરી નીજમંદિરે પરત ફરશે.

બહુચરાજીને જોડતાં માર્ગો પર 500થી વધુ સેવાકેમ્પો
માતાજીના દર્શનાર્થે પગપાળા આવતાં સંઘોના યાત્રિકોને રસ્તામાં ચા-પાણી, નાસ્તો, ઠંડાપીણાં, લીંબુ શરબત, ફળફળાદી અને ભોજનની સુવિધા મળી રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ, યુવક મંડળો, ધાર્મિક સંસ્થાઓ દ્વારા બહુચરાજીને જોડતા મોઢેરા-ચાણસ્મા-પાટણ, મોઢેરા-મહેસાણા, બલોલ-મહેસાણા, શંખલપુર, વિરમગામ, હારિજ, દેથલી તરફનાં માર્ગો પર 500થી વધુ સેવા કેમ્પો ઊભા કરાયાં છે.

બહુચરાજી માર્કેટયાર્ડ દ્વારા નાસ્તાનો કેમ્પ

બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે માર્કેટયાર્ડ દ્વારા નાસ્તાનો કેમ્પ કરાયો હતો. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

શંખલપુરમાં પાટીદાર સમાજ દ્વારા સેવાકેમ્પ
શંખલપુરમાં બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના યુવાનો દ્વારા બહુચર વાટીકા પાસે સેવાકેમ્પનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...