બહુચરાજી પોલીસે બુધવારે રાત્રે સમર્પણ બંગ્લોઝ સોસાયટીમાં રેડ કરી વિદેશી દારૂની હેરાફેરી માટે રખાયેલાં રૂ.42 લાખનાં 8 વાહનો સાથે રાજસ્થાનના સાંચોરના વોન્ટેડ દારૂના સપ્લાયરને ઝડપી લીધો હતો.બહુચરાજીના ઇ.પીઆઇ એમ.જે. બારોટ સ્ટાફ સાથે ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન રિલાયન્સ પેટ્રોલપંપ પાસે આવતાં ખાનગી રાહે બાતમી મળી હતી કે સમર્પણ બંગ્લોઝ સોસાયટીના કોમન પ્લોટમાં વિદેશી દારૂ લાવવા, લઇ જવા અને કટિંગ કરવા તેમજ પાયલોટિંગ માટે અલગ અલગ ગાડીઓ પડી છે.
જે ગાડીઓ કાંકરેજના ઉંબરી ગામના બુટલેગર વાઘેલા વિક્રમસિંહ મેતુભાએ મૂળ ઉંબરીના અને હાલ સમર્પણ બંગ્લોઝમાં ભાડે રહેતા વાઘેલા કનુભા ગજુભાના ઘરના સામેના કમ્પાઉન્ડમાં રાખેલી છે અને તેના ઘરે દારૂનું મોટાપાયે કટિંગ કરી ગુજરાતમાં સપ્લાય કરતો સાંચોરનો બિશ્નોઇ ભજનલાલ ભગારામ હાજર છે. જે આધારે પોલીસે રેડ કરી બિશ્નોઇ ભજનલાલને પકડી પાડ્યો હતો.
જે ભીલડી, ચાંગોદર, પાલનપુર પૂર્વ અને સાંચોર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે. જ્યારે સ્થળ પરથી વિદેશી દારૂના કટિંગમાં ઉપયોગ થયેલ ગાડીઓ કબજે લઇ બહુચરાજી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ ઘટના સ્થળેથી વાઘેલા કનુભા ગજુભા પાસેથી લોખંડની છરી મળી આવતાં તેની સામે પણ પોલીસે અલગથી ગુનો નોંધ્યો હતો.
આ 8 વાહનો જપ્ત કરાયાં
1.જીજે 01 આરએસ 1340 મારુતિ સ્વીફ્ટ
2.જીજે 02 સીએ 0555 મારુતિ સીઆઝ
3.જીજે 18 બીઈ 3391 ફોર્ડ ઇકો સ્પોર્ટસ
4.જીજે 08 સીજી 2977 મહિન્દ્રા સ્કોર્પિયો
5.જીજે 24 એક્સ 1427 બોલેરો મેક્સી
6.જીજે 02 સીઇ 9776 એક્ટિવા
7.જીજે 02 બીએચ 0686 સ્પ્લેન્ડર પ્લસ
8.જીજે 05 એચસી 0388 મારૂતી અલ્ટો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.