ખેરાલુ ડેપો સંચાલિત મીઠીઘારીઆલ વાયા ચાણસ્માની વિધાર્થી બસ છેલ્લા 10 દિવસમાં પાંચ દિવસ બંધ રાખવામાં આવતા વિધાર્થીઓ સહિત મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બસનું નિયમિત સંચાલન કરવા એસટી વિભાગીય અધિકારી મહેસાણાએ લેખિતમાં કડક સૂચના આપી હોવા છતાં ખેરાલુ ડેપોના અણઘડ વહીવટના કારણે મુસાફરો વારંવાર પરેશાનીમાં મુકાય છે.
ખેરાલુથી આ બસનો ઉપાડવાનો ટાઈમ 14:00 કલાકનો છે. પરંતુ ડેપોથી રોજબરોજ બસ મોડી આપવામાં આવતા આ બસને મીઠીઘારીઆલ સુધી લાવવાના બદલે બ્રાહ્મણવાડા કે ચાણસ્માથી ખેરાલુ પરત લઈ જવાય છે. જેથી મણિયારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ૫૫ જેટલા વિધાર્થીઓ એસટી પાસ ધરાવતા હોવા છતાં આ સમયગાળા દરમિયાન અન્ય બસનો કોઈ ટાઈમ ન હોઈ રઝડી પડે છે.
આ ડેપોની તમામ બસોનું સંચાલન એક ડ્રાઇવરના હવાલે સોંપી દેવાયું છે. જેના કારણે પૂરતું ટ્રાફિક મળતું હોવા છતાં મીઠીઘારીઆલના વિદ્યાર્થીઓ માટે માત્ર પૂર્વગ્રહ રાખી આ બસનું સંચાલન નિયમિત કરવામાં આવતું નથી.ચાણસ્માથી મીઠીઘારીઆલ વચ્ચે આવતા પાંચ જેટલા ગામોના મુસાફરો માટે આ બસનો ટાઈમ ખૂબ ઉપયોગી છે.અગાઉ આ બસનું સંચાલન ખૂબ જ નિયમિત થતું હતું.પરંતુ આ ટ્રીપને અન્ય ટ્રીપ સાથે જોડી દેવામાં આવતા આ અનિયમિતતા ઉભી થઇ છે.જો આ બસનું સંચાલન નહિ કરવામાં આવે ૧૫મી ઓગસ્ટે છાત્રો સાથે 5 ગામોના લોકોને એસટી રોકો કાર્યક્રમ આપવાની ફરજ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.