માઈભકતોની અગ્નિપરીક્ષા થઇ:માતાજીની પાલખીમાં મેટલ અને કપચી વાગતાં પગપાળા ભક્તોનાં પગનાં તળિયાં છોલાઇ ગયાં

બહુચરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજી-શંખલપુરના ભંગાર પાલખીપથ પર ભક્તોની અગ્નિપરીક્ષા થઇ
  • વારંવાર રજૂઆતો છતાં માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો નૈતિક જવાબદારી ભૂલ્યા

આસો અને ચૈત્ર મહિનાની પૂનમની રાત્રે નીકળતી બહુચર માતાજીની પાલખી બહુચરાજીથી શંખલપુર જાય છે અને તેનું ખૂબ મહત્વ હોઇ હજારો શ્રદ્ધાળુઓ પગપાળા જોડાતાં હોઇ તેમને કોઈ તકલીફ ન પડે તે માટે 3 કિલોમીટરના આ પાલખીપથનું પેવરકામ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો દર વર્ષે નૈતિક જવાબદારી સમજી કરતાં હોઇ રાહતરૂપ રહેતું હતું. પરંતુ આ વર્ષે 3 કિલોમીટરના આ રોડના છોતરાં નીકળી ગયા હોવા છતાં માતાજીના ભરોસે છોડી દેવાયો હતો. જેના કારણે શનિવારે ચૈત્રી પૂનમની રાત્રે નીકળેલી માતાજીની પાલખીમાં જોડાયેલા માઈભકતોની અગ્નિપરીક્ષા થઇ હતી.

રોડમાં પડેલાં ખાડા અને રોડ પર જામેલાં મેટલ-કપચીના થર ભક્તો માટે પીડાદાયક બન્યા હતા. જમીન ઉપર પગરખાં વિના પગ નહીં મુકનાર શ્રદ્ધાળુઓ પાલખીયાત્રામાં ખુલ્લા પગે જોડાતાં કેટલાક શ્રદ્ધાળુઓના પગના તળિયે મેટલ-કપચી ઘૂસી જતાં ઈજાનો ભોગ પણ બન્યા હતાં. પરંતુ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાના કારણે ઈજાને પણ હસતાં મુખે સહન કરી પાલખીયાત્રા પૂરી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, બહુચરાજીથી શંખલપુરનો 3 કિમીનો પાલખીપથ ગયા ચોમાસામાં સાવ ધોવાઇ ગયો હતો. જેની ઉપર તંત્ર અત્યાર સુધી થૂંકના સાંધા કરતું રહ્યું હતું. ચૈત્રી પૂનમ આવતી હોઇ આ પાલખીપથ પગપાળા ચાલવા યોગ્ય થઇ જશે તેવી વિસ્તારના ગામોની પ્રજાની ધારણા તૂટી ગઇ હતી. વિસ્તારની નબળી નેતાગીરી અને આગેવાનોમાં ઈચ્છાશક્તિનો અભાવ તેમજ એસી ઓફિસોમાં બેસી રહેતા ઈજનેરોની લાલિયાવાડીના કારણે રોડની સમસ્યા યથાવત રહેતાં લોકો હવે આંદોલનનું રણશિંગુ ફૂંકવાની તૈયારી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...