જિલ્લામાં 30 એપ્રિલના રોજ મુદત પૂરી થતી તમામ ગ્રામ પંચાયતોમાં તલાટીઓની વહીવટદાર તરીકે નિમણૂંક કરી દરેક તલાટીને રેગ્યુર ફરજ ઉપરાંત બીજી ત્રણ થી ચાર ગ્રામ પંચાયતોનો વહીવટ ઠોકી બેસાડાયો છે. જેના કારણે દરેક ગામોએ તલાટી પૂરતી હાજરી આપી શકતા નથી. પરિણામે, પંચાયતના વહીવટની સાથે અરજદારોના કામો પણ વિલંબમાં મૂકાઇ રહ્યાની બૂમ ઊઠી રહી છે.
જિલ્લાની 420 પંચાયતોની મુદત પૂરી થતાં 2 મેથી તલાટીઓની વહીવટદાર તરીકે નિમણૂંક કરાઇ છે. આ સાથે પંચાયતની તમામ સત્તા તલાટીના હવાલે આવી ગઇ છે. વહીવટદાર તરીકે મામલતદાર કચેરી કે તાલુકા પંચાયતના કર્મચારીનો ઉપયોગ કરાયો નથી.
જ્યારે રાજ્યના પંચાયત વિભાગના આદેશ મુજબ સ્થાનિક તલાટીની જગ્યાએ અન્ય ગામના તલાટીને ચાર્જ સોંપાયા છે અને તેમને બીજી 3થી 4 ગ્રામ પંચાયતની જવાબદારી પણ ઠોકી બેસાડવામાં આવી છે. આમ પણ કેટલાક ગામોએ તલાટી ફરજના સ્થળે પૂરતી હાજરી આપતા ન હોવાની ફરિયાદો ઉઠતી રહી છે.
તેવામાં એક તલાટીને અનેક પંચાયતોનો વહીવટ અપાતાં લોકોની હેરાનગતિ વધી ગઇ છે. જે ગામોએ વિકાસના કામો અધૂરા છે તે કામો પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. તેમજ વહીવટદારની જે-તે ગામે પૂરતી હાજરીના અભાવે અરજદારોના કામોના ઉકેલમાં પણ વિલંબ થઈ રહ્યો છે.
વહીવટદારોને ડિજિટલ સીગ્નેચર કી ફાળવવા માંગણી
મુદત પૂરી થતાં ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કામો પૂર્ણ થતાં સરપંચને નાણાકીય ઉપાડ માટે ડિજિટલ સીગ્નેચર કી ઓપરેટ કરવા આપવામાં આવી હતી. પરંતુ હવે સરપંચની જગ્યાએ વહીવટદારો નિમાયા હોઇ જિલ્લા કક્ષાએથી કી આપવામાં વિલંબ થઈ રહ્યો છે. વહીવટદારની નિમણૂંકના 13 દિવસ પછી પણ "કી" ન અપાતાં કામગીરીમાં મુશ્કેલી સર્જાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.