બહુચરાજી તાલુકાના ડોડીવાડા ગામે ચૈત્ર સુદ ચૌદશની રાત્રે નીકળતો હનુમાન દાદાનો હાથિયો આગામી શુક્રવારે રાત્રે નીકળનાર છે. આ પ્રસંગે સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.ડોડીવાડિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના મંત્રી પ્રમુખ કિર્તિભાઇ પટેલ અને અમૃતભાઇ હીરાભાઇ પટેલના જણાવ્યા મુજબ, 200 વર્ષ જૂની પરંપરા મુજબ પટેલોના માઢમાં ગાડુ લાવવામાં આવે છે અને તે ગાડામાં આગળના ભાગે હાથીના મોઢા અને સુંઢ જેવો આકાર આપવામાં આવે છે.
આથી તેને હાથિયા તરીકે ઓળખવામાં આવે છે. આ રથને ચાર બળદોથી જોડવામાં આવે છે. આ રથ આખા ગામમાં ફરી પાછો દાદાના મંદિરે આવે છે, ત્યાર બાદ આવનાર વર્ષના શુકન જોવામાં આવે છે. આ પ્રસંગે સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. હાથિયામાં મોટી સંખ્યા ભાવિકો હાજર રહી દર્શનનો લાભ મેળવે છે. ઉલ્લેખનીય છે કે, હજારો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના કારણે ડોડીવાડા ધામ ભકતોથી ધમધમતું રહે છે.
મનવાંચ્છીત ફળ આપનાર ચમત્કારીક હનુમાન દાદા ગામના પાદરમાં રૂપેણ નદીના કિનારે સમાધિ ધારણ કરી બેઠા છે. દાદાના સ્થાનમાં લાડુની માનતા રાખવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એક પણ એવો શનિવાર કે મંગળવાર જતો નથી કે કોઈ લાડુ ની માનતાં કરવા આવ્યું ના હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.