માગ:મહેસાણા-બહુચરાજી રોડ ઉપર રૂપપુરા કેનાલના સર્વિસ રોડથી બસો દોડાવવા માંગ

બહુચરાજી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આસજોલ કેનાલ પુલ પરથી વાહન વ્યવહાર બંધ થતાં વચ્ચેના ગામોના લોકોને હાલાકી

આસજોલ પાસે નર્મદા કેનાલનો પુલ ડેમેજ થતાં સમારકામ માટે છ મહિના વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે અને ભારે વાહનોને વાયા મોઢેરા, કાલરી તેમજ નાના વાહનોને આસજોલથી રાંતેજ, બહુચરાજી ડાયવર્ઝન અપાયું છે. પરિણામે બહુચરાજી બલોલ મહેસાણા રૂટના વચ્ચેના ગામડાના કાયમી અપડાઉન કરતાં નોકરિયાતો, વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને સૌથી મોટી સમસ્યાનો ભોગ બનવું પડી રહ્યું છે. આ સંજોગોમાં માત્ર એસટી આસજોલથી રૂપપુરા કેનાલ પુલથી સર્વિસ રોડ પરથી કરણપુરા, ઈન્દ્રપ થઈ બહુચરાજી દોડાવવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.

વહીવટી તંત્ર દ્વારા આસજોલથી વાયા રાંતેજ, બહુચરાજી ડાયવર્ઝન અપાયું છે. પરંતુ 27 કિમીનો આ રસ્તો સિંગલપટ્ટી અને રોડની બંને બાજુ ગાંડા બાવળથી ઘેરાયેલો છે. વળી વળાંકવાળો પણ હોઈ એસટી સંચાલન શક્ય નથી. પરિણામે ખાસ કરીને કાલરી, ચડાસણા, નદાસા, બલોલ કે મહેસાણા અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ તેમજ કાયમી અપડાઉન કરતા નોકરિયાતોની હાલત કફોડી બની છે.

આ સમસ્યા મહેસાણા -બહુચરાજી રોડ પર અવરજવર કરતી એસટી બસો આસજોલથી રાંતેજ માર્ગ પર રૂપપુરા કેનાલના પુલ થઈ કેનાલના સર્વિસ રોડે વાયા કરણપુરા, ઈન્દ્રપ, કાલરી ચલાવાય તો જ હલ થઈ શકે તેમ છે. આ સર્વિસ રોડ પાકો હોઈ સરકારને વધારાનો કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. આ મામલે ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ શુક્રવારે જિલ્લા કલેક્ટરને આ પુલ પરથી એસટી સંચાલનને મંજૂરી આપવા રજૂઆત કરી છે.

આસજોલ અને કરણપુરા સુધી બસો દોડાવતાં થોડી રાહત
આસજોલ પુલ પરથી વાહન વ્યવહાર બંધ થવાને કારણે લોકોને પડતી હાડમારી અંગે રજૂઆતો મળતાં શુક્રવારે મહેસાણા એસટી ડેપો દ્વારા મહેસાણા થી આસજોલ તેમજ બહુચરાજી ડેપો દ્વારા કરણપુરા સુધી પાંચ બસો દોડાવાતાં લોકોને થોડી રાહત થઈ હતી. પરંતુ સળંગ મહેસાણા કે બહુચરાજી તરફ અવરજવર કરતા નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓને મુશ્કેલી ઠેરની ઠેર રહી છે.

અન્ય સમાચારો પણ છે...