તીર્થધામ બહુચરાજીમાં કોરોના મહામારીને લઇ 2 વર્ષ બાદ ગુરુવારથી શરૂ થઇ રહેલા ચૈત્રી પૂનમના પરંપરાગત લોકમેળા પૂર્વે બહુચરાજી અને શંખલપુર ધામમાં પગપાળા સંઘોનું આગમન શરૂ થઇ ચૂક્યું છે. બંને ધામોને જોડતા માર્ગો ભક્તોની અવરજવરથી ચેતનવંતા બની ગયા છે, તો ઠેર ઠેર સેવાકેમ્પો પણ ઊભા કરાયા છે.
મેળાનું વિધિવત ઉદઘાટન ગુરુવારે સાંજના 5 વાગે કરાશે. આ લોકમેળામાં ઉત્તર ગુજરાત, અમદાવાદ, ચરોતર, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઊમટી પડતાં હોઇ બહુચર માતાજીના મંદિરમાં 63 તેમજ મંદિરની બહાર મેળા વિસ્તારમાં 8 સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. મેળામાં પધારતા યાત્રિકોને કોઇપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ટેમ્પલ ટ્રસ્ટ, જિલ્લા-તાલુકા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા દર્શન, વિશ્રામ, પરિવહન સહિતની વ્યવસ્થા કરાઇ છે.
મેળાના આયોજનની વિગતો આપતાં મંદિરના વહીવટદાર પી.સી. દવેએ જણાવ્યું કે, આ મેળામાં ભક્તોની સુરક્ષા માટે કુલ 71 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. દર્શનાર્થીઓને પૂર્વના દરવાજાથી તેમજ પગપાળા આવતા સંઘોને પશ્ચિમ દરવાજાથી પ્રવેશ અપાશે. ઉનાળાની ગરમીને ધ્યાને લઇ મંદિર પરિસરમાં છાંયડા માટે મંડપ બાંધવામાં આવ્યો છે અને 100 સ્પ્રીંકલર ફૂવારા ગોઠવવામાં આવ્યા છે. આ સાથે દર્શન માટે લાઇનમાં ઊભેલા ભક્તો માટે ઠંડુ પાણી તેમજ છાસની વ્યવસ્થા કરવામાં આવી છે. હાઇવે સ્થિત બહુચર ભોજનાલયમાં યાત્રિકો માટે મોહનથાળ સહિત ગરમાગરમ ભોજનની વિનામૂલ્યે સુવિધા કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, મેળાના પ્લોટની સૌથી ઊંચી બોલી બોલનાર કોન્ટ્રાક્ટરને રૂ.14.25 લાખમાં મેળાનો મુખ્ય પ્લોટ ફાળવવા મેળા કમિટીએ નિર્ણય લીધો હતો. મેળામાં ચકડોળ, ચકરડીઓ, ટોરાટોરા, મોતનો કૂવો, સર્કસ સહિતના મનોરંજનનાં સાધનો ગોઠવાયાં તો ઠેર-ઠેર ખાણી-પીણીનાં સ્ટોલ પણ મંડાયા છે. જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, ડીડીઓ ડૉ. ઓમ પ્રકાશ, એસપી અચલ ત્યાગી, પ્રાંત અધિકારી પી.સી. દવે સહિતના માર્ગદર્શન હેઠળ લોકમેળાનું આયોજન કરાયું છે.
મેળામાં 7 પીઆઇ, 30 પીએસઆઇ સહિત 798 પોલીસ તૈનાત રહેશે
બહુચરાજી મેળામાં એપી અચલ ત્યાગીના સીધા માર્ગદર્શન હેઠળ 1 ડીવાયએસપી, 7 પીઆઇ, 30 પીએસઆઇ, 321 પોલીસ કર્મચારી, 75 વુમન પોલીસ, 183 હોમગાર્ડ, 182 જીઆરડી સહિત 798 પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે તેમ બહુચરાજી પીઆઇ એમ. જે. બારોટે જણાવ્યું હતું. મેળામાં પોલીસના 5 વીડિયોગ્રાફર, રાયોટ કંટ્રોલ વાહન વરુણ અને વ્રજ 1-1, વોટર ટેન્કર 1, વાયરલેસ સેટ અને વોકીટોકી 6-6, મેટલ ડીટેક્ટર 10 તેમજ ક્રેઇન, ફાયર ફાઇટર અને મેડિકલ વાન તૈનાત રહેશે.
પહેલીવાર બે દિવસના લોકડાયરાનું આયોજન
એસટી વર્કશોપ પાસેના સાંસ્કૃતિક કાર્યક્રમના મેદાનમાં તા.15મીને શુક્રવારે રાત્રે 9 થી 12 સુધી ભીખુદાન ગઢવી ગાંધીનગર, તૃષા રામી અને ભાવના નાયક તેમજ તા.16મીને શનિવારે સાંજના 6થી 9 વાગ્યા સુધી ગમન સાંથલ, અલ્પેશભાઇ દરજી, હસમુખભાઇ પટેલ, ખ્યાતી નાયક અને ટીમનો લોકડાયરો યોજાશે. ચૈત્રી પૂનમના મેળાને લઇ પહેલીવાર બે દિવસ લોકડાયરાનું આયોજન કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.