શિખરની ઊંચાઇના વિવાદનો અંત આવ્યો:બહુચરાજી મંદિર 71.5 ફૂટ ઊંચા શિખર સાથે આખું નવું બનશે

બહુચરાજી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે ફાગણી પૂનમ અને હોળીના પવિત્ર દિવસે જાહેરાત કરતાં માઇભક્તોમાં આનંદ છવાયો
  • આગામી 25 વર્ષને ધ્યાને લઇ ત્રણ તબક્કામાં વિકાસ કરાશે, પ્રથમ તબક્કામાં 20 કરોડ રૂપિયા ફાળવાયા

યાત્રાધામ બહુચરાજી સ્થિત બહુચર માતાજીનું મુખ્ય મંદિર 71.5 ફૂટ ઊંચા શિખર સાથે આખે આખું નવું બનાવવામાં આવશે. રાજ્ય સરકારે મંગળવારે ફાગણી પૂનમ અને હોળીના પવિત્ર દિવસે આ જાહેરાત કરતાં માઇભક્તોમાં આનંદ છવાયો છે. સરકાર દ્વારા આગામી 25 વર્ષને ધ્યાને લઇ ત્રણ તબક્કામાં મંદિરનો સુગ્રથિત વિકાસ હાથ ધરવામાં આવશે. જેના પ્રથમ તબક્કામાં મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ અને મંદિરના શિખરની ઊંચાઈ 71.5 ફૂટની કરવાનું કામ હાથ ધરાશે. જેના માટે રૂ.20 કરોડ ફાળવાયા છે. આ સાથે છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલા શિખરની ઊંચાઇના વિવાદનો અંત આવ્યો છે.

બહુચરાજી મંદિરના વિકાસ અંગે માહિતી આપતાં સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને યાત્રાધામ વિકાસ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા મા બહુચરના ધામમાં દર્શનાર્થે આવતા યાત્રિકોને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રૂ.20 કરોડ ફાળવ્યા છે.

બહુચર માતાજીનું મુખ્ય મંદિર નવું બનાવવામાં આવશે
જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ જે હાલ 49 ફૂટ છે, તે વધારીને અંદાજે 71.5 ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરિસર ભવ્ય અને દિવ્ય બનશે અને યાત્રાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મંદિરની ઊંચાઈ વધારવાની સાથે સાથે આગામી સમયમાં મંદિર પરિસર અને વિકાસનું આયોજન પણ કરવામાં આવશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે.

ત્રણ તબક્કામાં મંદિરનો સુગ્રથિત વિકાસ હાથ ધરવામાં આવશે
મંદિરના શિખરની ઊંચાઇનો શું હતો વિવાદ વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે આજથી 240 વર્ષ પહેલાં ઇ.સ. 1783માં નિર્માણ કરાવેલ બહુચર માતાજીનું મુખ્ય મંદિર 49 ફૂટ લાંબુ, 29 ફૂટ પહોળું અને શિખરની ઊંચાઇ 56 ફૂટ હતી. જીર્ણોદ્ધાર સમયે શિખરની ઊંચાઇ 7 ફૂટ ઘટાડી 49 ફૂટ કરી દેવાઇ હતી. જૂના મંદિરની સરખામણીએ નવા મંદિરનો દેખાવ આંખોને ગમે તેવો ન હોઇ શ્રદ્ધાળુઓમાં કચવાટ ઊભો થયો હતો વાસ્તુશાસ્ત્ર મુજબ રિનોવેશન કરવા માંગ ઊઠી હતી.

શિખરની ઊંચાઇ વાસ્તુ- શાસ્ત્ર પ્રમાણે નક્કી કરાઇ
હાલના મંદિરના શિખરની ઊંચાઇ ખૂબ જ ઓછી લાગતી હોઇ શ્રદ્ધાળુઓ દ્વારા ઊંચાઇ વધારવાની માગણીઓ થઇ હતી. આથી મંદિરની લંબાઈ અને પહોળાઈને ધ્યાને શિખરની 71.5 ફૂટની ઊંચાઇ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે નક્કી કરાઇ છે.- બલવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ મંત્રી

1100 દીવાની સમૂહ આરતી કરી ભક્તોએ ખુશી વ્યક્ત કરી
રાજ્ય સરકાર દ્વારા બહુચરાજીના વિકાસ માટે આજે પ્રથમ તબક્કાના 20 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી તથા વર્ષોથી પડતર મંદિરની ઊંચાઈના પ્રશ્નનું નિરાકરણ લાવતાં માઇભક્તો દ્વારા બહુચરાજી મંદિરમાં 1100 દીવાની સમૂહ આરતીનું આયોજન કરી રાજ્ય સરકારના નિર્ણયને વધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...