યાત્રાધામ બહુચરાજીથી શંખલપુર ગામને જોડતો રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2022-23 હેઠળ સવા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવતાં શંખલપુર સહિત 20થી વધુ ગામોની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
બહુચરાજી અને શંખલપુર ધામમાં બહુચર માતાજીનાં પ્રાચીન સ્થાનકો આવેલાં છે, જ્યાં વર્ષે દહાડે રાજ્ય અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે. આ બંને યાત્રાધામોને જોડતા રોડ ઉપર દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતાં હોઈ વારંવાર તૂટી જવાના કારણે યાત્રિકો તેમજ તાલુકાનાં 20થી વધુ ગામોનાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
આ બાબતે શંખલપુર ગ્રામ પંચાયતનાં સરપંચ ભીખીબેન પટેલની રજૂઆત બાદ બહુચરાજીના પૂર્વ સરપંચ અમેરિકા સ્થિત હર્ષદભાઈ લાટીવાળા દ્વારા તત્કાલીન માર્ગ મકાન મંત્રી અને મુખ્યમંત્રી સહિતને રૂબરૂ મળી આ રોડને અગ્રતાના ક્રમે મંજૂર કરવા ધારદાર રજૂઆતો કરાઈ હતી. રજનીભાઈ પટેલ સહિત સ્થાનિક લોક પ્રતિનિધિઓએ પણ સમયાંતરે આ રોડની માગણી દોહરાવી હતી.
જેને ધ્યાને લઈ સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બહુચરાજી શંખલપુર રોડને ₹5.25 કરોડના ખર્ચે આરસીસી અને બાજુમાં ગટર મંજૂર કરાઇ હતી. શંખલપુર ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ પરેશભાઈ પટેલે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, શંખલપુર, ડોડીવાડા આદીવાડા સહિત 20થી વધુ ગામોની જનતાને ઉપયોગી આ આરસીસી પાકો રોડ તૈયાર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.