બેદરકારી:બહુચરાજીથી શંખલપુરનો પાલખીપથ રિપેર ન કરાતાં રોષ

બહુચરાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલખી પથની શંખલપુર ગ્રા.પં.એ સફાઈ કરાવી હતી. - Divya Bhaskar
પાલખી પથની શંખલપુર ગ્રા.પં.એ સફાઈ કરાવી હતી.
  • આજે શંખલપુર આવતી બહુચર માની પાલખીમાં માઇભક્તોને મેટલ પરથી પસાર થવું પડશે

યાત્રાધામ બહુચરાજીમાં રેલવે ફાટકથી શંખલપુર બહુચર માતાજીના મંદિર સુધીનો 3 કિમીનો પાલખીપથ ગત ચોમાસામાં ધોવાઇ ગયો હોવા છતાં હજુ સુધી ડામર પેવર કરવામાં નહીં આવતાં નઘરોળ માર્ગ અને મકાન વિભાગના પાપે બુધવારે શરદ પૂર્ણિમા નિમિત્તે માતાજીની શંખલપુર ગામે આવતી પાલખીમાં ઉઘાડા પગે જોડાનારા ભક્તોની આકરી કસોટી થવાની છે. શંખલપુર ગામના સરપંચ અને ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, માતાજીની પાલખી જે રોડ પરથી પસાર થવાની છે તે આખો રોડ ધોવાઇ ગયો છે, મેટલ અને કપચી ઉઘાડા થઇ ગયા છે.

બહુચર માતાજીની પાલખી લઇને ભક્તો ઉઘાડા પગે આવતા હોઇ રોડનું સમારકામ કરાવવા કડીના નાયબ ઇજનેર ડી.ડી. પ્રજાપતિનું બે દિવસ અગાઉ પણ ધ્યાન દોર્યું હતું. તે સમયે તેમણે રોડ તૈયાર થઇ જશે તેમ જણાવ્યું હતું, પરંતુ મંગળવારે સવારે તૈયાર માલ લાવવા વાહન નથી તેવું બહાનું આગળ ધરતાં અમે વાહનની વ્યવસ્થા કરી આપી, તો બપોરે ડામર પ્લાન્ટ બંધ થઇ ગયો છે તેવું બહાનું કાઢી રોડ રિપેર કરવાનું ટાળ્યું હતું.

માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ દરેક યાત્રાધામોને જોડતા માર્ગો અગ્રતાક્રમે રિપેર કરવા જણાવ્યું હોવા છતાં કડી માર્ગ-મકાન વિભાગના અધિકારીની આડોડાઇના કારણે બુધવારે પૂનમે માતાજીના પગપાળા દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ તેમજ માતાજીની પાલખી સાથે આવનાર હજારો ભક્તો માટે આ માર્ગ કંટકરૂપ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...