શિક્ષણ વધવાની સાથે દરેક સમાજમાં સામાજિક લગ્ન વ્યવસ્થા તૂટી રહી છે. ક્યાંક સમાજમાં ઉચ્ચ શિક્ષિત પાત્ર હોવા છતાં જાણકારીના અભાવે તે સંબંધ શક્ય બનતો નથી. આવા સંજોગોમાં યુવક અને યુવતીને યોગ્ય પાત્ર મળી રહે અને આપણી સદીઓ જૂની સામાજિક લગ્ન વ્યવસ્થા સચવાઈ રહે તેવા ઉદ્દેશથી રાજ્યમાં પ્રથમવાર 72 ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ અમદાવાદ દ્વારા 72 વિવાહ નામની મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ છે.
મંડળના પ્રમુખ રાજુભાઇ એલ. પટેલ (સીતાપુર)એ જણાવ્યું કે, સમાજના 89 ગામોના 14400 સભ્યો નોંધાયેલા છે. જે મહેસાણા, કડી, કલોલ, બહુચરાજી સહિત સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ, વડોદરા, સુરત, અંકલેશ્વર, કચ્છ વગેરે જગ્યાએ ધંધા-રોજગાર અર્થે સ્થાયી છે. ઘણીવાર એવું બને છે કે પૂરતી જાણકારીના અભાવે ઉચ્ચ શિક્ષિત યુવક કે યુવતીને સમાજમાંથી યોગ્ય પાત્ર ન મળતાં અન્યત્ર લગ્ન કરે છે. આવું ન બને તે માટે અમે 1005 યુવક અને યુવતીઓનો બાયોડેટા સાથે યુવા પરિચય ગ્રંથ અને 72 વિવાહ નામે મોબાઇલ એપ પણ તૈયાર કરી છે. જેમાં સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીની તમામ માહિતી સતત અપડેટ કરીએ છીએ. જેનાથી ફાયદો થશે અમારો મુખ્ય ઉદ્દેશ સામાજિક લગ્ન વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે.
વરાણામાં ખોડિયાર માતાજીના સાનિધ્યમાં મંડળના અધ્યક્ષ ઉદ્યોગપતિ બળદેવભાઇ પટેલ દેવગઢના પ્રમુખ સ્થાને યુવા પરિચય ગ્રંથ પ્રતિનિધિ સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં 72 વિવાહ અંગે માહિતી અપાઇ હતી. આ પ્રસંગે ઉદ્યોગપતિ શંકરલાલ પટેલ, અગ્રણી અમૃતભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ગણપતભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ વગેરેએ સામાજિક સંગઠન મજબૂત બનાવવા હાકલ કરી હતી. કિરીટભાઈ પટેલ દેવગઢએ શુભેચ્છા પાઠવી હતી. સંચાલન જગદીશ પટેલ, સંકલન પ્રવીણ પટેલ અને આભારવિધિ દિનેશ પટેલે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.