બહુચર માતાજીના બે યાત્રાધામો બહુચરાજી અને શંખલપુરને જોડતો 2.25 કિમીનો સાવ ધોવાઇ ગયેલો રોડ રૂ. 5.25 કરોડના ખર્ચે નવો બનાવવા રાજ્યના માર્ગ મકાન વિભાગે મંજુરી આપી છે. જેમાં હયાત રોડને ઊંચો ઉપાડી પહોળો કરવા સાથે સીસી બનાવવાનું નક્કી કરાતાં શંખલપુર સહિત 20થી વધુ ગામોના લોકોને ચોમાસામાં વેઠવી પડતી હાલાકીનો અંત આવશે.
બહુચરાજી- શંખલપુર રોડ પર દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ રહેતું હોઈ ડામર રોડ તૂટી જાય છે, એમાંય ગત ચોમાસામાં તો સંપૂર્ણ રોડ ધોવાઇ ગયો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગના નધરોળ અધિકારીઓના પાપે આ રોડ રિપેર કરવામાં આવ્યો નથી. પરિણામે છેલ્લા આઠ મહિનાથી યાત્રિકો તેમજ અહીંથી પસાર થતાં 20થી વધુ ગામોના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
લોકોની આ સમસ્યા અંગે વારંવાર અખબારી અહેવાલો ઉપરાંત શંખલપુર ગ્રામ પંચાયતની રજૂઆતો સાથે રાજકીય આગેવાનોની ભલામણો બાદ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રોડને મંજૂરીની મહોર મારવામાં આવી છે.બહુચરાજી થી શંખલપુરના 2.25 કિમી લાંબા રોડને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઊંચો ઉપાડી પહોળો તેમજ આરસીસી બનાવાશે.
જેના માટે રૂ.2.25 કરોડ મંજૂર કરાયા છે. જ્યારે શંખલપુર થી ત્રણ કિલોમીટર દૂર ડોડીવાડા ગામે રૂપેણ નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટે 600 મીમી પાઇપલાઇન, ગટર અને મેનહોલની કામગીરી માટે ૱ 3 કરોડ મંજૂર કરાયા છે. આ રોડ મંજૂર કરાતાં વિસ્તારના લોકોમાં રાહતની લાગણી ઊભી થઈ છે. વહેલી તકે રોડનું કામ હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.