યાત્રાધામ શંખલપુર ખાતે બહુચર માતાજીના મંદિરે કોરોના મહામારી ને લઇ બે વર્ષથી બંધ બહુચર ભોજનાલય (સદાવ્રત) શુક્રવારે ચૈત્ર સુદ ચૌદસના પવિત્ર દિવસથી પુનઃ કાયમી ધોરણે શરૂ કરાયું છે. પ્રથમ દિવસે ચૈત્રી પૂનમના મેળામાં પધારેલા 8 થી 10 હજાર શ્રદ્ધાળુઓએ માનો પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.
શંખલપુર ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને મંત્રી અમૃતભાઈ પટેલે જણાવ્યું કે, કોરોનાના બે વર્ષ બાદ આજથી મા બહુચરના દર્શનાર્થે પધારતા શ્રદ્ધાળુઓને માના ધામમાં વિનામૂલ્યે ભોજન પ્રસાદ મળી રહે તે માટે બહુચર ભોજનાલય શરૂ કરાયું છે.
પ્રથમ દિવસે ભોજનદાતાનો લાભ ઉદ્યોગપતિ નરભેરામભાઈ માવજીભાઈ સોરીયા (ઘુંટુ-મોરબી) અને બાબુભાઈ કાનજીભાઈ પટેલ (શંખલપુર- સુરત) પરિવારે લીધો છે. જ્યારે શનિવારે ચૈત્રી પૂનમના ભોજન દાતાનો લાભ સુખડિયા પરિવાર (સાણંદ)એ લીધો છે. મંદિરમાં યાત્રિકોને ભોજન ઉપરાંત પીવાનું પાણી, ન્હાવા-ધોવા સહિતની સુવિધા શંખલપુર મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા કરાઇ છે.
આજે મા બહુચરના વરઘોડા પર પુષ્પવર્ષા
બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરને તેમના પ્રાગટ્ય દિવસે શનિવારે ચૈત્રી પૂનમે માઇભક્ત નરભેરામભાઈ માવજીભાઈ સોરીયા પરિવાર તરફથી સોના-ચાંદી અને હીરાજડિત નયનરમ્ય આંગી અર્પણ કરાશે. આ નિમિતે સવારે 7 વાગે ચેરમેન કાળીદાસ પટેલના નિવાસેથી નીકળી માતાજીનો વરઘોડો માઇમંદિરે આવશે. જેની ઉપર ડ્રોનથી પુષ્પવર્ષા કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.