વિરપુર તાલુકાના પાંટા ગામે તાજેતરમાં જ મગરના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. પાંટા ગામની લાવેરી નદીમાં રહેતા મગરે બકરા ચરાવી રહેલા આધેડ પર હુમલો કરતા મોત નિપજ્યું છે. ધટનાની જાણ થતાં વન વિભાગ સહિતના અધીકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વિરપુરના પાંટા ગામના પુંજાભાઈ ડાહ્યાભાઈ પગી સવારના સમયે પાટા ગામની લાવેરી નદીના કિનારે બકરા ચરાવતા હતા. તે દરમ્યાન એકાએક મગર કીનારા પર ધસી આવતા બકરી પર હુમલો કર્યો હતો.
તે સમયે પુંજાભાઈએ બકરીને છોડાવવા જતા મગરે અચાનક પુંજાભાઈ પર હુમલો કરી પુંજાભાઈને નદીમાં ખેચી ગયો હતો. મગરે કરેલા હુમલામાં આધેડનો ડાબો હાથ જડબામાં આવી ગયો હતો. આધેડે મગરના જડબામાં આવી ગયેલા હાથને છોડાવવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. પરંતુ, તેઓ પોતાનો હાથ છોડાવી શક્યા ન હતા. અને મગર આધેડને નદીમાં ખેંચી ગયો હતો. જોકે બકરાઓની કીલકારીઓથી પુંજાભાઈની પત્નીને ખબર પડતાં ઘરના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને પુંજાભાઈની શોધખોળ કરતા ઉંડા ખાડામાં મૃત હાલતમાં જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગમાં થતાં તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક પુંજાભાઈને પીએમ માટે વિરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ RFO જે.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, વન વિભાગ નદી, તળાવ સહિતની જગ્યાઓ પર જ્યાં મગર રહે છે તેવા વિસ્તારોમાં જાહેર ચેતવણી લગતાં બોર્ડ મુકવામાં આવશે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પુરતા પ્રયત્નો કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.