હાલાકી:શિક્ષકના પરિવારને પેન્શન ન મળતાં હાલત કફોડી થઇ

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યવાહી ગાંધીનગરમાં નિયામકમાં કરવાની હોય છે - ટી.પી ઓ

વિરપુર તાલુકાના લીમરવાડા ગામના રણજીતસિંહ બાલાસિનોર તાલુકાના મેઘલીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તા.1 મે 2021ના રોજ કોરોનાની બીજી લહેરમાં કોરોના તેમને ભરખી ગયો અને પરિવારના મોભીના અવસાન થતાં તેમની પત્ની અને તેમના બે બાળકો છત્રછાયા ગુમાવતા પરિવાર ઉપર આભ તુટી પડ્યું હતું. સમય વિતતાં શિક્ષકની ફરજ દરમ્યાન મૃત્યુ થતાં મળતા લાભ મેળવવા માટેના દસ્તાવેજની કાર્યવાહી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ 20 મહિના જેટલો લાંબો સમય વીત્યો હોવા છતાં આ પરિવારને અત્યાર સુધી કોઈ લાભ મળેલ નથી.

જ્યારે બે બાળકો અને પત્ની નું જીવન દુસ્વાર થઈ ગયું છે. અને આવક વિના નિરાધાર બનેલ પરિવાર પેન્શનની આશાએ બેઠો છે. પેન્શન વહેલી તકે ચાલુ કરાવવા સરકારી અધિકારીઓને વિનંતી અને આજીજી કરવા ધરમ ધક્કા ખાવાનું ચાલુ કરેલ છે. જ્યારે પરીવારે ઉચ્ચ અધિકારીઓને પૂછતા સરકાર દ્વારા જરૂરિયાત મુજબ ગ્રાન્ટ ન મળી ઓછી આવતી હોવાનું કહ્યુ હતુ. અને જ્યારે ગ્રાન્ટ આવશે ત્યારે મળશે તેવા પાયા વિહોણા જવાબો સાંભળી પાછા ફરવાનો વારો આવી રહ્યો છે.

ત્યારે મૃત્યુ પામેલા શિક્ષકને વહેલી તકે સરકારી લાભ મળવાપાત્ર છે તે મળે તેવી રજુઆત પરીવાર દ્વારા વારંવાર કરવામાં આવી છે. સરકાર દવારા એક બાજુ પેન્શનરોને તત્કાળ પેન્શન મળે તે માટેના પ્રયાસો કરી રહી છે. તયારે શિક્ષકની પત્ની અને તેના બે બાળકોને પેન્શનના અભાવે હાલની કાળઝાળ મોઘવારીમાં જીવન જીવવુ મુશ્કેલ થઇ ગયુ છે. જવાબદારો આ કાર્યવાહી તાકીદે પુર્ણ કરે તે અને મદદ કરે તે જરૂરી બનયુ છે.

જીવન જીવવા માટે તકલીફ પડી રહી છે, રજૂઆતો કોઇ સાંભળતુ નથી
પેન્શન માટે બાલાસિનોર, લુણાવાડા, ગાંધીનગર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખીત તેમજ મૌખિક રજુઆતો કરી હોવા છતાં બે વર્ષથી મારા પતિનુ પેન્શન કે અન્ય લાભ કોઈ પણ પ્રકારનો લાભ અમને મળ્યો નથી. સરકાર દ્વારા અમારી રજુઆત સંભાળવામાં આવતી નથી. બાળકોને ભણવા માટે તેમજ જીવન જીવવા માટે જરૂરીયાતો પુરી કરવામાં તકલીફ પડી રહી છે. ત્યારે સરકાર દ્વારા અમારી રજુઆતને ધ્યાને રાખીને વહેલી તકે કોઈ નિર્ણય લેવામાં આવે તેવી માંગ છે. - પ્રેમીલાબેન, મૃતક શિક્ષકની પત્ની

પેન્શન સહિતના લાભો માટે ફાઈલ જિલ્લામાંથી ગાંધીનગર મોકલી છે
મેઘલીયાના શિક્ષકનું અવસાન થતાં તેમને મળતા પેન્શન અને અન્ય લાભ માટેની ફાઈલ અહીંયાથી મહીસાગર જિલ્લા અને જિલ્લામાંથી ગાંધીનગર મોકલાવેલ છે. હવે આગળની કાર્યવાહી ગાંધીનગર નિયામકમાં કરવાની હોય છે. ત્યાંથી પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર મળ્યે તેમને લાભ મળવાપાત્ર રહે છે. - જે એ પાંડોર,ટી.પી ઓ, બાલાસિનોર.

અન્ય સમાચારો પણ છે...