વિરપુર તાલુકાના ઘાટડા ગામમાં મૃત પશુઓના ચામડા અને હાડકાના ગોડાઉન આવેલા છે. ઉપરાંત ચામડું તાપમા સૂકવવા માટે રહેણાંક વિસ્તારનો ઉપયોગ થઈ રહ્યો છે. જેની અસહ્ય દુર્ગંધને કારણે અહીંના સ્થાનિકોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. સમગ્ર બાબતે ખુદ ગ્રામ પંચાયત પણ જાણકાર છે, પરંતુ અહીંના કેટલાક સ્થાનિક લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાને કારણે તેના પર પગલાં ભરી શકાય તેમ નથી.
જોકે આગામી દિવસોમાં ચામડાનો વ્યવસાય કરતા લોકો માટે અલગ જગ્યા ફાળવવામાં આવશે તેવી હૈયાધારણા મામલતદાર કક્ષાએથી આપવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી અલગ જગ્યા ન મળે ત્યા સુધી સ્થાનિકોને આ નર્કાગાર સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. વિરપુર તાલુકાના ઘાટડા ગામે ચામડાનો વ્યવસાય ચાલે છે. ચામડું સંગ્રહ કરવાના ગોડાઉન અને સુકવવાનું કામ નહીં થતું હોવાને કારણે આ વિસ્તારની સ્થિતિ નર્કાગાર બની છે.
સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં મૃત પશુના નિકાલની વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે આ મૃત પશુઓનો ઢગ ખડકાયા છે. જે લોકો ચામડાનો વ્યવસાય કરે છે, તે લોકો દ્વારા મૃત પશુઓ ખુલ્લામાં નાખવામાં આવતાં આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ અને ગંદકી ખદબદી રહી છે. જેના કારણે રોગચાળો ગમે ત્યારે અજગરી ભરડો લે તેવી દહેશત છે.
દુર્ગંધ એટલી તો છેકે, માર્ગ પર જતા રાહદારીઓ પણ ગુંગળામણ અનુભવી રહ્યા છે. આ મામલે કાયમી વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ ઉઠવા પામી છે. તાલુકામાં મૃત પશુઓના નિકાલ માટેની જગ્યા માટેનો પ્રશ્ન દિનપ્રતિદિન પેચીદો બનતો જાય છે. આવા સંજોગોમાં આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ચારેબાજુ મૃત પશુઓના ચામડાને કારણે આ વિસ્તારમાં ખદબદતી ગંદકી વચ્ચે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. આ પ્રશ્નનનો કાયમી નિકાલ આવે તેવી પણ માંગ ઉઠી છે.
સ્થાનિક નાગરિકો વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી મુશ્કેલી
ગ્રામ પંચાયતના કેટલાક વ્યક્તિ પશુના ચામડા અને હાડકાના વ્યવસાય પોતાના ઘર આગળ કરતા હોય અન્ય સ્થાનિક રહેણાંક વિસ્તારના લોકોને સ્વાસ્થ અને અન્ય મુશ્કેલીની સમસ્યા આવતા મૃત પશુઓના નિકાલ માટેની જગ્યા ગામની બહાર ફાળવી છે. વેપારીઓ ગામ બહાર અને તાલુકા બહારના મૃત પશુઓ અહીંયા લાવતા હતા.
જેથી જગ્યા કરતા મૃત પશુઓનું પ્રમાણ વધારે થતું હોવાના કારણે તેમજ બાજુમાં આવેલ મુખ્ય રસ્તા પર આ મૃત પશુના હાડકા અને અન્ય ભાગ રોડ સુધી ફેલાઈ જતા હતા જેથી ત્યાં કૂતરાઓનો આતંક ચાલુ થઈ ગયા હતો. સ્થાનિકોની ફરિયાદ આવેલ છે. આગામી સમયમાં કમિટી સાથે આ બાબતની ચર્ચા વિચારણા કરી ફરીથી મૃત પશુઓના નિકાલ માટેની અનુરૂપ જગ્યા માટે વિચારણા કરવામાં આવશે. - ભાવનાબેન પગી, સરપંચ
વ્યાપાર માટે વૈકલ્પિક જગ્યા ફાળવાશે
ઘાટડા ગામમાં મૃત પશુઓના ચામડા અને હાડકાના ગોડાઉન અને તાપમા સૂકવવા માટે રહેણાંક વિસ્તારનો ઉપયોગ કરતો હોવાથી સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય ને હાનિ પહોંચવા હોવાની ફરિયાદો વારંવાર મળી છે. વ્યાપાર કરવા માટે તેઓને વૈકલ્પિક જગ્યા વહેલી તકે આપવા માટે ગ્રામ પંચાયતમા સૂચના આપેલી છે. જે જગ્યા ફાળવાઇ જતા આ સમસ્યા થોડા દિવસોમાં રહેશે નહિ. - હિમાંશુ સોલંકી, મામલતદાર વિરપુર
દુર્ગંધના કારણે જમી પણ શકાતું નથી
રાવળ ફળીયામાં છેલ્લા કેટલાક મહિનાઓથી મૃત પશુઓના ઢગલાથી હેરાન થઈ રહ્યાં છે. દુર્ગંધના કારણે બે ટાઈમ સરખી રીતે જમી પણ શકતા નથી. સાંજે જમવા બેઠા હોય ત્યારે કુતરાઓ મૃત પશુઓના માસ લઈને ધરની ઓસરી આગળ મીજબાની કરતા હોય છે તેમજ સતત દુર્ગંધના કારણે બાળકો સહિતના લોકોમાં આરોગ્ય જોખમાય તેવી પરીસ્થીતી બની છે. ત્યારે આ બાબતને લઈને કલેકટર કચેરી, ડીડીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી ને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ ફેર પડ્યો નથી. - ભુરાભાઈ રાવળ, સ્થાનિક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.