દુર્ઘટના:ખેડાપામાં ભારે વરસાદથી કાચું મકાન પડતાં દાદી-પૌત્રીનું મોત

સંતરામપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રની દીકરી રમતાં રમતાં દાદીના ઘરે જ સૂઇ ગઇ હતી

સંતરામપુર તાલુકામાં ગુરૂવારે ભારે વરસાદ વરસતા દિવસભર 73 મિમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના લીધે સંતરામપુર તાલકુાના ખેડાપા ગામના કાંકરા ડુંગર વિસ્તારમાં કાચુ મકાન ધરાશાઇ થતાં વૃદ્ધા અને બાળકી મળીને બેના દબાઇ જવાથી મોત થયા હતા. જયારે વૃદ્ધને ઇજાઅો થતાં હોસ્પિટલ ખસેડાયો હતો.

સંતરામપુર તાલુકામાં મેધરાજાઅે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા તાલુકામાં ભારે વરસાદ વરસતા 3 ઇંચ જેટલો વરસાદ નોધાયો હતો. સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં કેદારભાઈ મોગજીભાઈ પારગી તેમના પત્ની સવિતાબેન અને પૌત્રી સૃષ્ટિ ઘરમાં ઊંઘતા હતા. ભારે વરસાદના કારણે રાત્રે 2 વાગ્યાની આસપાસ તેમનું કાચુ મકાન અચાનક જ ધરાશાયી થઈ ગયું હતું. જેમાં ઊંઘી રહેલા દાદી સવિતાબેન કોદરભાઈ પારગી (ઉ.56) અને પૌત્રી સૃષ્ટિ મિથુનભાઈ પારગી (ઉ.2)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. ચીસાચીસ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દાદા કેદારભાઈને કાટમાળમાંથી બહાર કાઢીને સંતરામપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. કેદારભાઇના ચોથા પુત્રની દીકરી દાદીના ઘરે રમવા અાવી હતી. રમતા રમતા પૌત્રી દાદીના ઘરે સુઇ જતાં મોતને ભેટી હતી.

કાચા મકાનનો બધો કાટમાળ સામાન પરિવાર પર પડ્યો હતો. જેથી દાદી અને પૌત્રીને કાટમાળ નીચે દબાઈ ગયા હતા. બંનેને બચાવવા માટેનો ઘણો પ્રયાસ કરવા છતાં આખરે બંનેને જીવ ગુમાવવો પડ્યો હતો. દાદી-પૌત્રીનું મોત થતાં પરિવારે ભારે આક્રંદ કર્યું હતું. જેને પગલે ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સંતરામપુર મામલતદાર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...