સતાનો મહાસંગ્રામ:બાલાસિનોર બેઠક પર 'આપ'માંથી ઉદેસિંહ ચૌહાણ મેદાને; વિશાળ રેલી સાથે પ્રાંત કચેરી પહોંચી નામાંકન પત્ર ભર્યું

મહિસાગર (લુણાવાડા)3 મહિનો પહેલા

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ મુજબ આમ આદમી પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લામાં ત્રણેય વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી ઉદેસિંહ રાયજી ચૌહાણને ચૂંટણી લડવા આપે મેદાને ઉતાર્યા છે.

'આપ' પાર્ટીનો ખેસ ધારણ કર્યો
ઉદેસિંહ ચૌહાણ દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું. બાલાસિનોર સિલિન સેન્ટર ખાતેથી સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે વિશાળ સંખ્યામાં રેલી યોજી બાલાસિનોર પ્રાંત કચેરી પહોંચી પોતાનું નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું. ઉદેસિંહ રાયજી ચૌહાણ બાલાસિનોર વિધાનસભાના કદાવર નેતા છે. તેઓ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તાજેતરમાં જ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાને મળ્યા હતાં અને ત્યારબાદ મહીસાગર જિલ્લા આપ પ્રમુખના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

કોંગ્રેસ સાથે 25 વર્ષથી જોડાયેલા નેતા 'આપ'માં
આ પહેલા ઉદેસિંહ ચૌહાણ કોંગ્રેસમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસના ઉપ પ્રમુખ પદે જવાબદારી સંભાળતા હતાં. તે ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને કોંગ્રેસ સાથે છેલ્લા 25 વર્ષથી જોડાયેલા હતાં. કોંગ્રેસમાંથી છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં આવેલા ઉદેસિંહ ચૌહાણને આમ આદમી પાર્ટીએ બાલાસિનોર વિધાનસભાના ઉમેદવાર બનાવી ચૂંટણી લડવા મેદાને ઉતાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...