ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે તેને લઇ અને મહીસાગર જિલ્લામાં આજે સોમવારે સાંજના સમયે એકાએક ભારે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના સંતરામપુર, બાકોર, લુણાવાડા ગ્રામ્ય, ખાનપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો તેમજ બાકોરમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાંથી ઘૂટણસમાં પાણી વહ્યા હતા અને જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
જિલ્લાના લુણાવાડા તાલુકાના વરધરી વિભાગમાં આવેલા ધામોદ, લાલસર, કીડીયા, વખતપુર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. તો જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું. જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ખેતરોમાં તૈયાર થયેલો પાક છે. તેવામાં કમોસમી વરસાદ વરસતા ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાની ભીતિને લઈ ખેડૂત ચિંતિત બન્યો છે. મકાઈ, બાજરી એરંડા, રાયડો, ઘઉં, વરિયાળી સહિતના પાકો તૈયાર થયેલા છે. તેવામાં વરસાદ વરસતા જગતના તાતના માથે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ આંબા ઉપર પણ મોર આવેલો છે તેવામાં કેરીના પાકને પણ નુકસાન જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
દિવસ દરમિયાન ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે સાંજના સમય બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે એકાએક ભારે ગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે ઝાપટા પડ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.