ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો:લુણાવાડામાં મધ્ય રાત્રીએ વાવાઝોડા કરા સાથે ધોધમાર વરસાદ; કાપણીના સમયે વરસાદ વરસતા ખેડૂત ચિંતિત

મહિસાગર (લુણાવાડા)3 દિવસ પહેલા

લુણાવાડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારની મધ્ય રાત્રીએ એકાએક ભારે ગાજવીજ અને વાવાઝોડા કરા સાથે વરસાદ વરસ્યો હતો. શુક્રવારે દિવસ દરમિયાન વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ મોડી રાત્રીએ ધોધમાર વરસાદ વરસ્યો છે. લુણાવાડા શહેરમાં અડધા કલાકના ધોધમાર વરસાદથી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો માંથી ઘુંટણ સમાં પાણી વહ્યા હતા. તો આસપાસના ગ્રામ વિસ્તારો સોનેલાં, ચરેલ, કાંઠા, ચનસર, ચાવડીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાવાઝોડા સાથે વરસેલા વરસાદના પગલે રાત્રી દરમિયાન લુણાવાડા શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી. તો બીજી બાજુ ધોધમાર વરસાદ અને ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુંગાર બન્યું છે. પરંતુ ખેડૂતની ચિંતામાં ચૉક્કસથી વધારો થયો છે.

કમોસમી વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવ્યું
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની કેટલાક વિસ્તારોમાં આગાહી કરવામાં આવી હતી. જેને લઈ મહીસાગર જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. ત્યારે શુક્રવારે વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. જેમાં સંતરામપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ વીરપુર તાલુકાના કોયડમ, ચીખલી, ડેભારી સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે કરા પણ પડ્યા હતા.

જિલ્લામાં મોટાભાગે ખેતરોમાં તૈયાર થયેલા પાકની કાપણી ચાલી રહી છે. તો કેટલાક ખેતરોમાં પાક તૈયાર થયેલો છે. તેવામાં આ વરસાદ ખેડૂત માટે આફત લઈને આવ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ઘઉં, ચણા, મકાઈ, દિવેલા, બાજરી સહિત પશુ માટેના ઘાસચારાને નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતના માથે ફરી એકવાર વરસાદ આફત લઈને આવ્યો છે અને ખેતીને નુકસાન પહોંચ્યું છે. આગાઉ પણ માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી ખેતીના પાકો અને ઘાસચારાને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ફરી એકવાર આફત રૂપી કમોસમી વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. ત્યારે ભર ઉનાળે અષાઢી જેવા માહોલથી ત્રેવડી ઋતુ અનુભવાઇ રહી છે, જેથી બીમારીમાં પણ વધારો થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...