ડીજેના જમાનામાં દેશી ઢોલની ડિમાંડ:ચામડામાંથી વિશેષ રીતે તૈયાર કરાય છે આ દેશી ઢોલ; દૂર-દૂરથી લોકો સ્પેશિયલ ઢોલ ખરીદવા લુણાવાડા આવે છે

મહિસાગર (લુણાવાડા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

હોળીનો પર્વ આખા ગુજરાત રાજ્યમાં ધામધૂમથી ઉજવાય છે, પરંતુ ખાસ કરીને આદિવાસી સમાજના લોકોની વસતી ધરાવતા જિલ્લામાઓમાં તેનું મહત્ત્વ વધારે રહેલું છે. જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હોળી દરમિયાન ઢોલ નગારાના તાલે અલગ અલગ લોક નૃત્યો કરીને હોળી મનાવાય છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પ્રાચીન કાળથી હોળી પર ખાસ પ્રકારના દેશી ઢોલના તાલ સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ પ્રાચીન લોક નૃત્યો કરીને હોળી પર્વ મનાવાય છે. જેમાં ઉપયોગમાં આવતા દેશી ઢોલનું હાલ લુણાવાડા ખાતે ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

ઢોલ નગારાની દુકાનો પર હોળીના દેશી ઢોલ ખરીદવા લોકો જિલ્લાના અલગ વિસ્તારોમાંથી તેમજ અન્ય જિલ્લા અને દૂર દૂરથી લોકો ખરીદી માટે આવે છે. આ દેશી ઢોલની કિંમત તેની સાઈઝ પ્રમાણે હોય છે. જેટલો મોટો ઢોલ તે પ્રમાણે તેની કિંમત હોય છે. જેમાં 1000થી લઈ 3500 સુધીની કિંમત હોય છે. તો આવો... જાણીએ દેશી હોળી ઢોલના મહત્ત્વ વિશે...

સ્પેશિયલ દેશી હોળીના ઢોલની માગ
મહીસાગર જિલ્લામાં હોળીના પર્વ ઉપર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકો ધામધૂમથી હોળીના પર્વની ઉજવણી કરતા હોય છે. પોતાની આગવી શૈલીમાં નાચગાન અને નૃત્ય કરતા હોય છે. ત્યારે ઢોલ નગારાના તાલે ગ્રામ્ય વિસ્તારોની અંદર હોળીના પર્વ ઉપર અલગ અલગ લોક નૃત્ય કરવામાં આવતા હોય છે. આ લોક નૃત્યમાં ઉપયોગમાં આવતા ઢોલ જેનો ખૂબ અનેરુ મહત્ત્વ રહેલું છે. ત્યારે આ ઢોલ હાલ બજારોમાં ખૂબ વેચાઈ રહ્યા છે.

જાણો દેશી ઢોલ બનાવવાની રીત
લાકડાની ફ્રેમ ઉપ ચામડું મઢીને બનાવેલા આ દેશી ઢોલ ખાસ કરીને હોળી માટે ઉપયોગમાં આવતા હોય છે. ત્યારે હોળીના 15 દિવસ પહેલાથી જ ઢોલ બનાવતા કારીગરો દેશી ઢોલ બનાવવાની કામગીરી શરૂ કરી દેતા હોય છે. તો આવો... જાણીએ કે, આ દેશી ઢોલ કેવી રીતે બનાવવામાં આવે છે...

સૌ પ્રથમ ચામડાને લાવીને તેને સ્વચ્છ કરી પલાળી રાખવામાં આવતું હોય છે. ત્યારબાદ વાસના લાકડાંમાંથી એક ગોળ પટ્ટી બનાવવામાં આવે છે. તે પટ્ટી પર પલાળેલા ચામડાની પળી ચઢાવવા આવે છે. ત્યારેબાદ લાકડાની ગોળાકાર ફ્રેમ પર તેને ફિટ કરીને દોરી વડે કસીને બાંધી તેને રાગ મુજબ ચઢાવવામાં આવે છે. આમ, અંદાજીત બે કલાક જેટલી મહેનત બાદ સંપૂર્ણ દેશી ઢોલ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ઢોલ બજારમાં વેચાણ માટે મુકાય છે.

15 દિવસમાં 250 જેટલા ઢોલ બનાવી વેચાણમાં મુકે છે
ઢોલ બનાવતા વેપારીના જણાવ્યા પ્રમાણે, હોળીના 15 દિવસ પહેલાથી આ દેશી હોળીના ઢોલ બનાવવાની કામગીરી શરૂ થાય છે. જોકે હોળી આવે ત્યાં સુધીમાં 200થી 250 જેટલા ઢોલ બનાવી અને તેનું વેચાણ કરતા હોય છે. ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા, સંતરામપુર, ખાનપુર અને લુણાવાડા સહિતના તાલુકાઓમાંથી તેમજ પંચમહાલ-અરવલ્લી જેવા અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો સ્પેશિયલ દેશી ઢોલ ખરીદવા માટે લુણાવાડા ખાતે પહોંચે છે અને ઢોલ ખરીદે છે.

આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે હોળી
જિલ્લાના આદિવાસી વિસ્તારમાં હોળીનું મહત્ત્વ ખુબ જ હોય છે અને હોળી એ આદિવાસી સમાજનો મોટામાં મોટો તહેવાર કહેવાય છે. હોળીના તહેવારની શરૂઆત આંબલી અગિયારસથી શરૂ થાય છે અને રંગ પંચમી સુધી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ સમય દરમિયાન જિલ્લાના ગામડાઓમાં ગ્રામ્ય લોકો પોતાના સમાજની પરંપરાગત સંસ્કૃતિ મુજબ મેળાનું આયોજન કરી હોળી ઉત્સવ મનાવતા હોય છે અને મેળામાં ઢોલ નગારા વગાડવામાં આવતા હોય છે. તેમજ હોળીના દિવસે ખાસ હોલિકા દહન વખતે ઢોલ વગાડી હોળીની પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે. આમ ઢોલ નગારાનું અને દેશી ઢોલનું આ વિસ્તારમાં અનેરું મહત્ત્વ રહેલું છે.

લોકો હોંશે હોંશે દેશી ઢોલ ખરીદે છે
હોળીના તહેવાર દરમિયાન હોળી મનાવવા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ છે અને મેળાઓ માટે ઢોલ નગારાની ખરીદી કરી રહ્યાં છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા લુણાવાડામાં દેશી ઢબના ઢોલ નવા બનાવવા તેમજ જુના રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લોકો ઢોલ નગારાની ખરીદી કરવા માટે પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. ત્યારે ઢોલ નગારાની દુકાનો પર અત્યારે બીજું બધું કામ સાઈડમાં મૂકી સ્પેશિયલ દેશી હોળીના ઢોલ બનાવવામાં આવી રહ્યા છે અને લોકો હોંશે હોંશે દેશી ઢોલ ખરીદી હોળી પર્વની ઉજવણી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...