સમગ્ર રાજ્યભરમાં પશુઓ લિમ્પિ વાયરસથી સંક્રમિત થતા જોવા મળી રહ્યાં છે અને પશુપાલકો આ વાયરસના કારણે પરેશન બન્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ લિમ્પિ વાયરસએ પગપેસારો કર્યો છે. જિલ્લામાં અલગ અલગ બે જગ્યાઓ પર આ વાયરસના કેસ નોંધાતા તંત્ર એલર્ટ થઈ કામગીરી કરી રહ્યું છે અને આ વાઇરસને નાથવા માટેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે.
મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા શહેરના વેલણવાડા ગામે પટેલ ફળિયામાં રહેતા રજનીભાઇ પટેલના ઘરે એક ગાયમાં વાયરસે દેખા દીધી છે. રજની ભાઈ આ અંગે જણાવી રહ્યાં હતા કે, તેઓએ આ ગાય તેમના મિત્ર મારફતે રાજસ્થાનમાંથી મંગાવી હતી. પરંતુ ગાય ઘરે લાવીને બાંધ્યા બાદ ચોથા દિવસે જ આ લક્ષણો જોવા મળ્યા. જેમાં ગાયની પીઠ ગરદન અને પગની બાજુમાં તેમજ શરીરના અમુક ભાગો પર ફોડકા જોવા મળ્યા. પ્રથમ તેમણે આ બાબતે સ્થાનિક વેટેનરી ડોક્ટરને બતાવ્યું અને ડોક્ટર દ્વારા દવા આપવામાં આવી. પરંતુ કોઈ ફરક ન પડતા તેઓએ પશુપાલન વિભાગને જાણ કરી, ત્યારબાદ વેલણવાડા ગામે પશુપાલન વિભાગની કરુણા એમ્બ્યુલન્સ તેમજ જિલ્લા પશુપાલન અધિકારી સાથે અન્ય ડૉક્ટર પોંહચીને જરૂરી સારવાર આપી છે. તેમજ આગામી 4 દિવસ સુધી ફોલોઅપ લેવાનો છે. તે લઈને ગાયને સારવાર આપવામા આવશે.
લિમ્પિ વાઇરસનો એક કેસ વીરપુર ખાતે પણ નોંધાયો છે
વીરપુર તાલુકાના રોજાવ ગામે લિમ્પિ વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે. રોજાવ ગામના પશુપાલક અન્ય રાજ્યમાંથી ગાય લાવ્યા હતા. તેમાં વાઇરસની અસર જોવા મળતા પશુપાલન વિભાગ દ્વારા તેને સારવાર આપવામાં આવી રહી છે.
સાફસફાઈ રાખવાથી પશુઓમાં લિમ્પિ વાઇરસ જલ્દીથી આવી શકતો નથી
આ અંગે જિલ્લા ઇન્ચાર્જ પશુપાલન અધિકારી હસમુખ જોશીએ જણાવ્યું જતું કે, આ વાઇરસથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. પશુપાલકો પોતાના પશુઓના તબેલામાં નિયમિત સાફસફાઈ કરે, મચ્છર માખીનો ઉપદ્રવ વધવા ના દઈએ. તો આ વાઇરસથી પશુઓ બચી શકે છે અને જલ્દીથી એક પશુમાંથી બીજા પશુમાં વાઇરસ ફેલાતો અટકી શકે છે. કોઈ પણ પશુઓમાં આ વાઇરસમાં લક્ષણો જણાઈ તો કરુણા એમ્બ્યુલન્સ ટોલ ફ્રી 1962 પર કોલ કરવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.