સ્કૂલ કોલેજોમાં શિક્ષક દિવસની ઉજવણી:મહિસાગરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો; લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલયમાં 120 વિદ્યાર્થીઓ એક દિવસના શિક્ષક બન્યા

મહિસાગર (લુણાવાડા)25 દિવસ પહેલા

5મી સપ્ટેમ્બર એટલે “રાષ્ટ્રીય શિક્ષક દિન”. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમના જન્મદિવસે શિક્ષક દિન તરીકે સમગ્ર દેશમાં તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ અલગ અલગ કોલેજો અને સ્કૂલોમાં આજના શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક ઉત્સાહથી વિધાર્થીઓ ભાગ લઈ એક દિવસના શિક્ષક બન્યા હતા.

લુણાવાડા શહેરની કિસાન માધ્યમિક વિદ્યાલયમાં તારીખ 5 સપ્ટેમ્બર 2022 ના રોજ સ્વ-શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સ્વ-શિક્ષક દિને શાળાના આશરે 120 વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિમાં ભાગ લઈ શિક્ષક તરીકે વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું.

સમગ્ર દિવસના શૈક્ષણિક કાર્ય બાદ વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને પોતે કરેલ શૈક્ષણિક કાર્યના અનુભવો અન્ય વિદ્યાર્થીઓને જણાવ્યા હતા. સ્વ-શિક્ષક દિને શાળામાં શ્રેષ્ઠ શિક્ષક સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર જોશી ક્રિશા સુભાષચંદ્ર ધોરણ 10-B , દ્વિતીય નંબર સિસોદિયા વિરેન્દ્રસિંહ વિક્રમસિંહ ધોરણ 10-A , તૃતીય નંબર પટેલ યુગ અશોકભાઈ ધોરણ 10-A અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર પટેલ ધ્રુવ ચિરાગકુમાર ધોરણ 11-A , દ્વિતીય નંબર- ડબગર માનસી જીતેન્દ્રભાઈ ધોરણ 12-E , તૃતીય નંબર પટેલ પ્રીતકુમાર ચંપકભાઈ ધોરણ 11-C આમ વિવિધ વિધાર્થીઓ ક્રમાંક મેળવ્યા હતા.

સદર પ્રવૃત્તિ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક નિરવકુમાર ગિરિશચંદ્ર ત્રિવેદી અને માધ્યમિક વિભાગના જીગ્નાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. તમામ વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય હિતેશકુમાર વાય પટેલ , શાળા મંડળના પ્રમુખ મૌલિકભાઈ.કે.પટેલ તેમજ સમગ્ર સંકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...