સામાજિક સમૃધ્ધિ કે સામાજિક સંસ્કૃતિના જતન માટે સૌ પ્રથમ સમાજમાં શિક્ષણ આવશ્ય છે. એવા ઘણા લોકો ઉપદેશ આપતા હોય છે, પરંતુ શિક્ષણનું પ્રમાણ વધે તથા કોઈ આર્થિક ભીંસમાં ભણતર છોડી નહી દે, માટે આર્થિક સહાયક બનાવાનો નિર્ધાર કોઈ કરતું નથી. જેમાં વધુ નિરક્ષર મહિલાઓ જ જોવા મળે છે. કારણકે તેમને પહેલેથી કહેવામાં આવે છે કે, તમારે સાસરિયે જઈને ઘરનું કામ જ કરવાનું છે. આ કારણોથી મહિલાઓ સાક્ષર બની શકતી નથી. ત્યારે મહિલાઓ લગ્ન બાદ પણ ભણી ગણીને સાક્ષર બની શકે તેવો એક કિસ્સો લુણાવાડામાંથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં બે શિક્ષકોએ શરૂ કરેલી મુહિમે જે મહિલાઓને અ,બ,ક એટલે શું ખબર ન પડતી હતી. તેમને આજે વાંચતી, લખતી કરી દીધી છે. ત્યારે આજે વિશ્વ મહિલા દિવસના શુભ દિવસે જાણીએ અભણ મહિલાઓ કઈ રીતે સાક્ષરતાના પંથે ચડી...
'સાહેબ સ્ટેમ્પ પેડ આપો અમે અંગુઠા મરાવી લાવીશું'
'સાહેબ મારી મમ્મી સહી નથી કરતી તેને લખતા વાંચતા નથી આવડતું'...'સાહેબ મારી મમ્મી સહી નહીં કરે અમને સ્ટેમ્પ પેડ આપો અમે અંગુઠા મરાવી લાવીશું'...આ શબ્દો ખાનપુર તાલુકામાં આવેલા બાબલિયા પ્રાથમિક શાળાની વિધાર્થિનીઓના છે કે જ્યાં માતા નિરક્ષર છે અને પિતા કામ ધંધા અર્થે બહાર જાય છે. જેથી શાળામાંથી આપેલા કોઈપણ પેપરમાં સહી કરવાની વાત આવે તો તેમને મુશ્કેલીમાં મુકાઈ જવું પડે છે, પરંતુ કહેવાય છે ને કે શિક્ષક ક્યારે સાધારણ નથી હોતા. આવું જ કંઈક બન્યું છે બાબલિયા પ્રાથમિક શાળામાં કે, જ્યાં બે શિક્ષકોએ બાળકોની સમસ્યા દૂર કરી છે અને તેની માતાને લખતા વાંચતા કરવા માટે એક જોરદાર કીમિયો અજમાયો છે. જેના થકી આજે 88માંથી 38 મહિલાઓ વાંચતા લખતા શીખી ગઈ છે અને પોતાના બાળકની એકમ કસોટી અને અન્ય શાળામાંથી આપેલા પેપરમાં સહી કરે છે.
બાળક-શિક્ષક બંને મુંજવણમાં મુકાયા એવો સંજોગ બન્યો
સમગ્ર વાત જાણે એમ છે કે, કોરોના કાળ ચાલી રહ્યો હતો અને શાળાઓ બંધ હતી. શિક્ષકો એકમ કસોટી લઈ રહ્યા હતા ત્યારે બાળક પોતાની રીતે આ એકમ કસોટી પુરી કરે તેમને વાલીની સહી કરાવાની. ત્યારે બાળક અને શિક્ષક બંને મુંજવણમાં મુકાયા એવો સંજોગ બન્યો. કેમ કે બાળક સહી કોની કરાવે કેમ કે માતાઓ ભણેલી નહતી અને પિતા કામ ધંધા અર્થે મોટા ભાગે ઘરથી બહાર રહેતા હોય છે. જેથી સમયસર પેપરમાં સહી થઈ નહીં શકતી હોવાથી શાળામાંથી બાળકોને શિક્ષક કોઈ પેપર સહી કરાવવા આપે ત્યારે વિદ્યાર્થિનીઓ સાહેબ પાસે અંગૂઠો પડવાનું સાહિનું પેડ માગે અને શિક્ષક પણ દુવિધામાં મુકાય જાય કેમ કે, એક-બે વિધાર્થીઓ સાહિનું પેડ માગે તો આપી શકે, પરંતુ એક સાથે બધા વિદ્યાર્થીઓને પેડ ક્યાંથી આપે આટલા પેડ તો શાળામાં પણ ન હોય.
માતાઓને ભણાવવા માટે એક મુહિમ શરૂ કરી
આ દુવિધાને કઈ રીતે પાર પાડવી તે માટે શિક્ષકો મનોમંથનમાં લાગ્યા અને શાળાના બે શિક્ષકોએ નક્કી કર્યું કે, આપડે તેમની માતાઓને સહી કરતા શીખવીએ જેથી શૈલેશભાઈ પટેલ અને દિલીપભાઈ તલારે માતાઓને ભણાવવા માટે એક મુહિમ શરૂ કરવાનું વિચાર્યું અને તેનું નામ રાખ્યું "મા બેટી સાથે રમે સાથે ભણે" બંને કર્મનિષ્ઠ શિક્ષકોએ શાળાના સમય બાદના સમયે પોતાના સ્વખર્ચે મોડ્યુલ તૈયાર કર્યા અને પ્રથમ 10થી 15 માતાઓ પર તેનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું. આ મોડ્યુલ શિક્ષકો શાળામાં ભણતી એવી વિધાર્થિનીઓને આપતા હતા કે, જેની માતા બિલકુલ નિરક્ષર હોય અથવા લાંબા સમય પહેલા પાંચ કે સાત ચોડપી ભણી હોય પણ વર્ષો બાદ તે ભૂલી ગઈ હોય તેવી મહિલાઓને ભણવા માટે તૈયાર કરેલ મોડ્યુલ વિધાર્થિનીઓને આપવામાં આવ્યા.
બાળકીઓ જાતે ભણે અને બાજુમાં પોતાની માને ભણાવે
આ કાર્યમાં બાળકોએ પણ પોતાનો પુરતો સહકાર આપવાનું નક્કી કર્યું અને પોત-પોતાની માતાઓને સાક્ષર બનાવવા શિક્ષકોના કહેવા મુજબ, બાળકી શાળાએથી ઘરે આવે અને પોતાનું લેસન કાર્ય કરતી હોય ત્યારે પોતાની માતાને પણ સાથે બેસાડે અને રોજ રોજ થોડું થોડું શિખવાડતી જાય. તેમજ બાળકી પોતાનું લેસન કાર્ય પૂર્ણ કર્યા બાદ પણ માતાના ગૃહકાર્ય કર્યા પછી જો ફ્રી પડે તો તેને લખતા-વાંચતા શીખવાડે. જે શિક્ષકો દ્વારા ખાસ પ્રકારે આ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું તેનો ભરપૂર અને પુરતો લાભ માતાને મળે તેવો પ્રયાસ કરે. જેમાં સરળતાથી તે વાંચતા લખતા-શીખી શકે. જેમાં પ્રથમ 29 જેટલી મહિલાઓ આ અભિયાનમાં જોડાઈ ત્યારે શિક્ષકોને પણ થયું કે આ માતાઓને ખાલી સહી કરતા જ કેમ પણ વાંચતા લખતા જ શીખવીએ. જેથી તે વાંચતા લખતા શીખે અને પોતાના રોજિંદા જીવનમાં તે ઉપયોગી બને.
38 મહિલાઓ આજે લખતી-વાંચતી થઈ ગઈ છે
બે શિક્ષકોએ શરૂ કરેલી "મા બેટી સાથે રમે સાથે ભણે" મુહિમમાં બાળકો સાથે માતાએ પણ ભણવામાં રસ દાખવ્યો સાક્ષર બનવા પછી તો મહિલાઓને ઉત્સુક્તા જાગી અને હોંશે હોંશે તે ભણવા લાગી. ધીરે ધીરે સમય વીતતો ગયો અને એક બાદ એક મહિલાઓ મુહિમમાં જોડાઈ અને લખતા-વાંચતા શીખી. એમ કરતાં કરતાં 88 મહિલાઓ આ અભિયાનમાં જોડાઈ જેમાંથી 38 મહિલાઓ આજે લખતી-વાંચતી થઈ ગઈ છે. જેથી તે બાળકના પેપરમાં તો સહી કરી જ શકે છે, પરંતુ પોસ્ટમાંથી ઘરે આવતી ટપાલ, આમંત્રણ પત્રિકા, દૂધની પાવતી, બેન્ક સ્લીપ બધું જ સરળતાથી વાંચી અને લખી શકે છે. જેથી કહી શકાય કે, દીકરીની ભણવાની ઉંમરમાં માતા પણ ભણી અને પોતની જિંદગીને ભણતર થકી સરળ બનાવી. કેમ કે આ મહિલાઓને એક ગામથી બીજે ગામ જવાનું થાય તો એસ.ટી બસનું બોર્ડ પણ વાંચી શકતી ન હતી અને અન્ય લોકોને પૂછવું પડતું કે, આ બસ ક્યાં જશે જેની જગ્યાએ આજે તે વાંચતા-લખવાનું શીખતાં તેઓનું જીવન સરળ બન્યું છે.
મહિલાઓ પોતાને લખતાં-વાચતા આવડતા ગર્વ અનુભવે છે
શાળામાંથી આપેલ મોડ્યુલમાં માતાઓને બાળકીઓ ભણાવે છે અને જ્યારે તે મોડ્યુલ કમ્પ્લેટ થઈ જાય ત્યારે તે શિક્ષકને પરત આપે છે અને શિક્ષક તેને ઘરે લઈ જઈ અથવા શાળાના સમય સિવાયના સમયે તેને તપાસે છે અને જરૂરી માર્ગદર્શન બાળકીને આપે છે. જે મુજબ તે તેની માતાને ભણાવે, શાળા સમયે શિક્ષક બાળકોને ભણાવે અને જ્યારે શાળા સમય સિવાયના સમયે શિક્ષકો માતાઓના ઘરે જઈને પણ મોડ્યુલ તપાસે અને જરૂરી માર્ગદર્શન આપે. જેના થકી 38 મહિલાઓ નિરક્ષરમાંથી સાક્ષર બની છે. જેનું મહિલા દિવસ પર શિક્ષકો ગર્વ અનુભવી રહ્યા છે અને માતાઓ પણ પોતાને લખતા-વાંચતા આવડતા પોતાને ગર્વ અનુભવે છે.
મહિલાઓ સાક્ષરતા તરફ વળી પોતે સાક્ષર બની છે
જ્યારે શાળાના આચાર્ય દ્વારા શાળામાં અનેક એક્ટિવિના કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં બાળકો સાથે તેમની માતાઓને પણ બોલાવવામાં આવે છે. જેથી બાળકો સાથે માતાઓ પણ વિવિધ એક્ટિવિમાં ભાગ લે છે. જેથી બાળકો પણ હૂંફ અનુભવે છે અને આનંદ ઉલ્લાસ સાથે રમે છે અને સાથે ભણે છે. ત્યારે એક નાના પ્રયોગથી શરૂ કરેલી મુહિમ થકી મહિલાઓ સહભાગી બની અને ગામની મહિલાઓ સાક્ષરતા તરફ વળી પોતે સાક્ષર બની છે. ત્યારે આગળ પણ આ અભિયાન શરૂ રહેશે અને ગામની બાકી રહેલી મહિલાઓ પણ નિરક્ષરતામાંથી સાક્ષર બનશે તેવો બને શિક્ષકો સપનું જોઈ રહ્યાં છે. ત્યારે શિક્ષક શૈલેષભાઇ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, સંતરામપુર ડાયટના લેકચરર અને ખાનપુર તાલુકાના લાયઝન અધિકારી ઓમેગા પાંડવની પ્રેરણા અને પ્રોત્સાહનથી ઈનોવેશન ફેરમાં પણ જિલ્લા કક્ષાએ આ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો. જ્યાં અમારી શાળાના આચાર્ય અલ્પેશ પટેલ દ્વારા પણ ખૂબ સાથ અને સહકાર મળ્યો જેથી અમારૂ આ અભિયાન સફળ બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.