પંચમહાલ જિલ્લા બાદ હવે મહીસાગર જિલ્લામા ખાતરનો કકળાટ શરૂ થતાં ખેડુતો ખાતર લેવા અેક સેન્ટરથી બીજા સેન્ટરો પર ફરવાની નોબત અાવી છે. મહીસાગર જિલ્લામાં લુણાવાડા, બાલાસિનોર, વીરપુર, ખાનપુર, સંતરામપુર અને કડાણા તાલુકાના ખેડૂતો દ્વારા રવિ પાકની વાવણી કરી દેવામાં આવી છે અને પાક સારો થાય તે માટે પાકને સમયાંતરે ખાતરની જરૂર હોય છે. તેવા સમયે ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂત પરેશાન જોવા મળી રહ્યો છે.
મહિસાગર જિલ્લામાં વાર્ષિક 5 હજાર મે.ટન ખાતરની જરુરીયાત હોય છે. પરંતુ મહિસાગર જિલ્લામાં વાવેતરમાં વધારો થતાં ખાતરની માંગ પણ વધારો થયો છે. સિઝન હોવાથી સંગ્રહખોરી પણ વધતાં અને ખાતરની રેક ન અાવતાં મહિસાગર જિલ્લામાં ખાતરની ખેંચ ઉભી થઇ છે. રવિપાક માટે ખાતર લેવા ખેડૂતોને ઠંડીમાં લાઇનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.
ખાતર લેવા માટે દુર દુરથી ખાતર ડેપો બહાર ખેડૂતો લાઇનમાં ઉભા રહે છે અને ખાતર નહી મળતા ક્યારેક નિરાશ થઇને પાછા પણ જવુ પડતુ હોય છે સેન્ટરો પર ખાતરની ગાડી ત્રણ દિવસ બાદ અાવતાં ખેડુતોની ખાતર લેવા ધક્કા મુક્કી જોવા મળી હતી. ખેડૂત ખાતર મેળવવા માટે વહેલી સવારથી પ્રધાનમંત્રી સમૃદ્ધિ કેન્દ્ર બહાર લાઇનમાં ઉભા રહ્યા છે. ત્યારે ખેડૂત વર્ગને ઝડપી અને જોઇતા પ્રમાણમાં ખાતર મળે તે માટે જરુરી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તે જરુરી બન્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.