ઉમેદવારોમાં ટિકિટ માટે પડાપડી:મહીસાગરની 3 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ; 3 વિધાનસભામાં 103 દાવેદારોએ ટિકિટની માગ કરી

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને રાજકીય પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો નક્કી કરવાની ગતિવિધિઓ તેજ કરાઈ છે. જેના ભાગરૂપે કુલ 3 વિધાનસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં સૌથી વધુ લુણાવાડા વિધાનસભા બેઠક માટે કુલ 54 વાંચ્છુક ઉમેદવારોએ ટિકિટની માગ કરી હતી.

3 વિધાનસભા બેઠક માટે 103 દાવેદારોએ ટિકિટની માગ કરી
ભારતીય જનતા પાર્ટીના 3 નિરીક્ષકો સૌરભ પટેલ, અશોક ધોરાજીયા તેમજ જયશ્રી દેસાઈ દ્વારા મહીસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર એમ કુલ 3 વિધાનસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં 103 દાવેદારોએ ટિકિટની માગ કરી હતી જેમાં સૌથી વધુ લુણાવાડા વિધાનસભા બેઠક માટે કુલ 54 ટિકિટ વાંચ્છુક ઉમેદવારો, બાલાસિનોર વિધાનસભા બેઠક માટે 40 ટિકિટ વાંચ્છુક ઉમેદવારો અને સૌથી ઓછા સંતરામપુર બેઠક માટે 9 ટિકિટ વાંચ્છુક ઉમેદવારોએ ટિકિટની માગ કરી છે.

BJP ત્રણેય વિધાનસભામાં કોને ટિકિટ આપશે?
ત્યારે આ સમગ્ર સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો દ્વારા એક બાદ એક આમ કુલ 3 વિધાનસભાના ઉમેદવારોને સંભાળવામાં આવ્યા હતા. હવે વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને નિરીક્ષકો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં ત્રણેય વિધાનસભામાં કોને ટિકિટ આપે છે.

અન્ય સમાચારો પણ છે...