શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ:લુણાવાડાના 42 પાટીદાર સમાજઘર ખાતે કાર્યક્રમ યોજાયો; શિક્ષકોને પારિતોષિકથી સન્માનિત કરાયા

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

5 સપ્ટેમ્બર સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આજે શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં લુણાવાડા શહેરના 42 પાટીદાર સમાજઘર ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યુ કે, કોઈ પણ વ્યકિત શિક્ષણ વગર પ્રગતિ કરી શકતો નથી, જીવનમાં પરિવર્તન માટે યોગ્ય શિક્ષણ ખુબ જ મહત્વનુ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, જન્મ માતા-પિતાને આભારી છે જયારે જીવન ગુરૂજનોને આભારી છે. શિક્ષકો પ્રત્યેની માન સન્માનની ઉમદા ભાવના ચિરકાળ સુધી જીવંત રહે તેવી ડૉ.રાધાક્રૃષ્ણનની શિક્ષણ સમર્પિત ભાવને વર્ણવ્યો હતો. તેમણે વધુમાં શિક્ષણને ઉન્નતીના માર્ગે લઇ જવા અપીલ કરતા જણાવ્યું હતુ કે, સમાજનું ઘડતર શિક્ષકોના હાથમાં છે, પુરાણકાળથી ગુરૂજનો સમાજમાં ઉચ્ચ આસને બીરાજે છે.

મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમિલાબેન ડામોરે કહ્યું હતુ કે, પુર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રૃષ્ણનના જન્મદિવસને ગુરૂને સન્માનવાનો દિવસ એટલે કે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમણે તેમનો જન્મદિવસ સમગ્ર રાષ્ટ્રના શિક્ષકોને સમર્પિત કરી દેશના ખુણે ખુણે સમાજમાં જ્ઞાનનું અજવાળુ ફેલાવનાર શિક્ષકોનું સન્માન કરવા સમર્પિત કર્યો. શિક્ષણ બાળકના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત મળવા બદલ શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. મહિસાગર જિલ્લા કલેક્ટર ડૉ.મનીષકુમારે કહ્યું કે, શિક્ષક દિન નિમિત્તે પોતાના જીવનમાં શિક્ષકોનું મહત્વ વર્ણવતા કહ્યું હતું કે, આજે હું જે હોદ્દા પર છું તે મારા ગુરૂજીની પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શનથી છું.

તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિકથી સન્માનિત કરાયા
શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ પારિતોષિક એવોર્ડ માટે તાલુકા કક્ષાએ પ્રાથમિક વિભાગમાંથી સંતરામપુર તાલુકાના સંત શિક્ષણાનુભવ, પ્રા.શાળાના આસિસ્ટંટ શિક્ષક વષૉબેન મંગળભાઈ પ્રજાપતિ, કડાણા તાલુકામાથી ઘોળીધાંટી વર્ગ(વડાઝાપાં) પ્રા.શાળા આસિસ્ટંટ શિક્ષક દિલીપભાઈ વિરાભાઈ પટેલ અને ખાનપુર તાલુકામાંથી પ્રા.શાળા બાબલીયાના નિલેશકુમાર મિસ્ત્રીને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનવામાં આવ્યા હતા.

જિલ્લા કક્ષાએ પારિતોષિક વિતરણ કરાયું
જિલ્લા કક્ષા માટે પ્રાથમિક વિભાગમાથી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી શિક્ષકોને સન્માનિત કરાયા. જયારે જિલ્લા કક્ષા માટે પ્રાથમિક વિભાગમાથી સંતરામપુર તાલુકાના નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા આસિસ્ટંટ શિક્ષક રમેશકુમાર ચોહાણ, જિલ્લા કક્ષા સી.આર.સી/બી.આર.સી/કેળવણી નિરીક્ષક/એચ.ટાટ આચાર્ય વિભાગમાંથી સંતરામપુર તાલુકાના આંજણવાના સી.આર.સી રમેશભાઈ પટેલ અને માઘ્યમિક વિભાગમાથી બાલાસિનોર તાલુકાના કરુણાનિકેતન હાઈસ્કુલના મદદનિશ શિક્ષક વિમલકુમાર બુઘાલાલ સુથારને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનવામાં આવ્યા હતા.

બી.એલ.ઓ અને સેક્ટર ઓફિસરોનું સન્માન કરાયું
જિલ્લાના પ્રતિભાશાળી 15 બાળકોનું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મતદાર નોંધણીની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ અને સેક્ટર ઓફિસરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં લુણાવાડા કન્યા શાળાની બાલીકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી પી.એન મોદીએ મહાનુભાવોને આવકાર્યા હતા. અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી, શિક્ષણ સમિતિના ચેરમેન બાબુભાઈ, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન, અગ્રણી પ્રદિપસિંહ રાઠોડ, મહીસાગર જિલ્લાના વિવિધ શિક્ષણ સંઘના પ્રમુખો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...