નારી વંદન કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં જીલ્લા પંચાયત હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના આ પ્રસંગે વિવિધ મહાનુભાવોના હસ્તે ખેતીવાડી શાખાના લાભાર્થીને સ્માર્ટ ફોન સહાય યોજના અંતર્ગત લાભાર્થી બહેનોને સહાય મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. શ્રેષ્ઠ મહીલા પશુપાલક તરીકે જાગૃતિબેન હસમુખભાઈ પટેલ સહિતનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે મહિલા સરપંચ, તાલુકા અને જિલ્લા કક્ષાએ સમાજમાં આગવું પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પંચાયતી રાજને લગતી બાબતોની સબંધિત અધિકારીગણ દ્વારા મહિલાઓને માહિતી આપવામાં આવી હતી. પંચાયતી રાજ અને સામાજિક અન્વેષણ વિશે માસ્ટર ટ્રેનર રવીન્દ્રસિંહ સિસોદિયાએ સમજ આપી હતી.
મહિલાલક્ષી યોજનાઓ વિશે મહિલાઓને માહિતી અપાઈ
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરે જણાવ્યું હતું કે, આજે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ મહિલાઓને 50 ટકા નેતૃત્વ મળ્યું છે. આજે સરકાર દ્વારા મહિલાઓને સરકારી નોકરીઓમાં 33 ટકા અનામત મળ્યું છે. તેમણે મહિલાઓને જીવનશૈલી, રહેણીકહેણી અને સમાજમાં આત્મસન્માન બાબતે માહિતી આપી હતી. આજે સરકારના પ્રયાસો થકી સમગ્ર વિશ્વમાંથી ફક્ત ભારતમાં મહિલાઓ માટે 178 વિવિધ યોજનાઓ કાર્યરત થઈ છે. આજે પ્રસુતિથી લઈને બાળકીઓના શિક્ષણ માટે સરકાર સતત ચિંતિત છે. દીકરાઓના જન્મથી લઈને શિક્ષણ સુધી સરકાર તરફથી તમામ યોજનાઓમાં મદદ કરવામાં આવી રહી છે.તેમણે મહિલાલક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત મહિલાઓને માહિતી આપી હતી.
લાભાર્થી બહેનોને સહાય મંજુરી હુકમો એનાયત કરાયા
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીએ મહિલાઓને સંબોધતા જણાવ્યું કે, મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાની આગવી નેતૃત્વ કળાને કારણે પોતાનું આગવું સ્થાન બનાવી ચુકી છે. લોકો કહે છે મહિલાએ પુરુષ સમોવડી બનવાનું છે પરંતુ આજની મહિલા પુરુષો કરતાં ક્યાંય આગળ જોવા મળે છે. દરેક ક્ષેત્રે આગળ વધતા આ દેશની કમાન દેશની મહિલાઓના હાથમાં છે. ખેતી, શિક્ષણ, પશુપાલન, આરોગ્ય, સમાજ કલ્યાણના ક્ષેત્રે પણ મહિલાઓ આગેવાની કરી રહી છે. આ પ્રસંગે લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતીકાબેન પટેલે પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી, દહેજ પ્રબંધક અધિકારી પંકજ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશભાઇ પટેલ, આઇસીડીએસ અધિકારી શિલ્પા ડામોર, જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખ, સભ્યો સરપંચો સહિત વિવિધ અધિકારીગણ તેમજ મહાનુભાવો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.