મતદારો નહીં રહે મતદાનથી વંચિત:લુણાવાડામાં પોસ્ટલ બેલેટ માર્ગદર્શન બાબતે બેઠક યોજાઈ; પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાશે

મહિસાગર (લુણાવાડા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે પોસ્ટલ બેલેટ નોડલ અઘિકારીની ઉપસ્થિતિમાં પોસ્ટલ બેલેટ માર્ગદર્શન બાબતે બેઠક યોજાઈ હતી. જે મતદારો મતદાન મથકે જઈ મતદાન કરી શકતા નથી તેમના માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા દરેક ચૂંટણીમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. મંજુર થયેલ ફોર્મ-12 ડી વાળા મતદારોને પોસ્ટલ બેલેટ ફાળવવામાં આવશે.

પોસ્ટલ બેલેટ માર્ગદર્શન બાબતે બેઠક યોજાઈ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેથી જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે પોસ્ટલ બેલેટ નોડલ અઘિકારીની ઉપસ્થિતિમાં પોસ્ટલ બેલેટ માર્ગદર્શન બાબતે બેઠક યોજાઈ હતી. રાજ્યના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર ભારતનું ચૂંટણી પંચ રાખી રહ્યું છે. જે મતદારો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોવાના કારણે મતદાન મથકે જઈ મતદાન કરી શકતા નથી તેમના માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા દરેક ચૂંટણીમાં ઉપલબ્ધ કરવામાં આવે છે.

પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા​​​​​​​
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ફરજ પરના કર્મીઓની, દિવ્યાંગ મતદાતાઓ અને કોવિડ-19થી પ્રભાવિત અથવા કોવિડ શંકાસ્પદ મતદારો, જેમને મતદાન મથકના સ્થળે જવામાં મુશ્કેલી હોય પણ તેઓ તેમના મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટેનું ધ્યાન રખાશે. યોગ્ય રીતે મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી તેમના માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

પોસ્ટલ બેલેટ ફાળવવામાં આવશે
જેના ભાગરૂપે દરેક વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન મથકના બુથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા તેમના વિસ્તારમાં આવા મતદારો માટે અરજીનો નિયત નમૂનો ફોર્મ-12 ડી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે . બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ફોર્મ-12 ડી મળ્યેથી તેમાં સંપૂર્ણ વિગતો ભરી જરૂરી આધાર પુરાવા સાથે સબંધિત ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીને મોકલી આપવાના રહેશે. ત્યારબાદ ચકાસણીના અંતે મંજુર થયેલ ફોર્મ-12 ડી વાળા મતદારોને પોસ્ટલ બેલેટ ફાળવવામાં આવશે. આવા મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. આ બેઠકમાં તમામ નોડલ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...