લમ્પી વાયરસનો કહેર યથાવત:લુણાવાડા શહેરમાં 5થી 6 રખડતા પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો; જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 480 કેસ નોંધાયા

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા

મહીસાગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પશુઓમાં લંપી વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં અલગ અલગ તાલુકાઓમાં મળી કુલ 480 કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે લુણાવાડા શહેરની વાત કરવામાં આવે તો લુણાવાડા શહેરમાં રખડતા 5થી 6 પશુઓમાં લંપી વાયરસના કેસ જોવા મળ્યાં છે. ત્યારે જે રીતે કેસો વધી રહ્યા છે તેને જોતાં લાગી રહ્યું છે કે રખડતા પશુઓ અન્ય પશુઓને પણ સંક્રમિત કરી શકે છે. આ રખડતા પશુઓ મોટા ભાગે એક જુથમાં સાથે રહેતા હોય છે તેવામાં વાયરસ વધુ ફેલાય અને અન્ય પશુઓને પણ સંક્રમિત થવાની શક્યતાઓ રહેલી છે. આ અંગે તંત્ર જલ્દીથી રખડતા પશુઓને પકડીને તેનું વેક્સિનેશન કરે તો ફેલાવો અટકી શકે છે.

જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 480 કેસ નોંધાયા
જેમાં વીરપુર તાલુકામાં 282 કેસ, સંતરામપુર તાલુકામાં 65 કેસ, ખાનપુર તાલુકામાં 55 કેસ, બાલાસિનોર તાલુકામાં 35 કેસ, કડાણા તાલુકામાં 28 કેસ, અને લુણાવાડા તાલુકામાં 15 કેસ મળી કુલ 480 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં 300 એક્ટિવ કેસ અને 178 કેસ રિકવર થઈ ચૂક્યા છે, જ્યારે 2 પશુઓનાં મૃત્યુ નિપજ્યાં છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં 1 લાખ 34 હજાર 214 પશુઓને રસીકરણ કરાયું
મહીસાગર જિલ્લા પશુપાલ વિભાગ દ્વારા જિલ્લામાં નોંધાઈ રહેલા લંપી વાયરસના કેસોને લઈ અલગ અલગ ટીમો બનાવીને સર્વેની અને રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં જિલ્લાના કુલ 6 તાલુકામાં અલગ અલગ ટીમો દ્વારા પશુપાલકોના ઘરે જઈને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વીરપુર તાલુકામાં 53978, બાલાસિનોરમાં 24680, લુણાવાડામાં 12252, ખાનપુર તાલુકામાં 17644, કડાણા તાલુકામાં 8750 અને સંતરામપુર તાલુકામાં 16910 મળી જિલ્લામાં કુલ 1 લાખ 34 હજાર 214 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

શહેરમાં રખડતા પશુઓમાં વાયરસ જોવા મળી રહ્યો
જિલ્લામાં જે રસીકરણ કરવામાં આવ્યું છે તે પશુપાલકોના ઘરે રાખેલા પશુઓને કરવામાં આવ્યું છે, ત્યારે શહેરમાં રખડતા પશુઓમાં વાયરસ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર પશુઓ માટે સારવારની યોગ્ય વ્યવસ્થા કરે તો તેમનો જીવ બચી શકે અને લંપી વાયરસ ફેલાતો અટકી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...