એક તરફ સરકાર દાવા કરી રહી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે છે. તો બીજી તરફ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે આવેલ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર વહેલી સાવરથી ખેડૂતો ખાતર ખરીદવા માટે લાઈનોમાં ઉભા રહ્યા હતા.
ખેતરોમાં હાલ ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે હવે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. તેવામાં મહીસાગર જિલ્લામાં પૂરતી માત્રામાં ખાતર મળ્યું રહ્યું નથી અને જેટલું મળે છે તેના માટે પણ કલાકો સુધી કે આખો દિવસ લાઈનમાં ઉભું રહેવું પડે છે.
ખેડૂતો સાથે વાત કરતા તેઓ જણાવી રહ્યા હતા કે, અમે વહેલી સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઉભા છીએ. પહેલા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રની આગળ લાઈનોમાં ઉભા હતા. ત્યારબાદ કેન્દ્રની પાછળ લાઈનો કરવામાં આવી. જ્યાં પાછળથી આવેલા ખેડૂતોને પહેલા ખાતર મળી ગયું. તેવું પણ તેઓ જણાવી રહ્યા હતા. તો વધુમાં તેઓ જણાવી રહ્યા હતા કે, સરકારે યોગ્ય વ્યવસ્થા કરીને પૂરતી માત્રામાં ખાતર મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. એક તરફ અમારે ખેતરોમાં કાપ ઉભો હોય છે અને બીજી તરફ અમારે આ રીતે ખાતર ખરીદવા લાઈનોમાં ઉભું રહેવું પડે છે.
ખેતી વિભાગના અધિકારી આર.એમ. ભગોરા(ખેતી નિયામક મહીસાગર)એ જણાવ્યું હતું કે, જિલ્લામાં જેટલી જરૂરિયાત છે તેટલી માત્રામાં ખાતર મંગાવવામાં આવી રહ્યું છે, પરંતુ જે લાઈનો લાગી રહી છે તે વ્યવસ્થાના ભાગરૂપે એટલે કે થમ્બ દ્વારા તેની વિતરણ કરવામાં આવે છે. જેના કારણે તેમાં સમય લાગે છે અને લાઈનો જોવા મળે છે, પરંતુ ખાતર પૂરતી માત્રામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.