વધુ એક ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપાયો:LCBએ 26 હજારની ઘાતકી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી; ગુનો નોંધી આગળની તપાસ હાથ

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા

રાજ્યમાં ચાઈનીઝ દોરીના કારણે અનેક બનાવો બની રહ્યા છે. જેમાં કેટલાક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી રહી છે તો તેનાથી ગળું કપાતા મૃત્યુ પણ નિપજી રહ્યાં છે. તેવામાં મહીસાગર જિલ્લામાં અનેક જગ્યાઓ પરથી પોલીસે પ્રતિબંધિત ઘાતકી ચાઈનીઝ દોરીના જથ્થા ઝડપી પાડ્યાં છે અને તેનું વેચાણ કરતા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે લુણાવાડા તાલુકાના ચાંપેલી ગામેથી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 26,470નો ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાકેશ હીરા પ્રજાપતિ નામના ઇસમની અટકાયત કરી તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે.

ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી
મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇસ્પેક્ટર આર.ડી. ભરવાડને બાતમી મળી હતી કે, લુણાવાડા તાલુકાના ચાંપેલી ગામે પ્રજાપતિ ફળિયામાં રહેતો રાકેશ હીરા જે તેના ઘરમાં છાની છુપી રીતે ઘાતકી ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જે બાતમી આધારે LCB પી.આઈ એ LCB સ્ટાફના રાજેશ, વિરેન્દ્રસિંહ, માધવસિંહ સહિત અન્ય પોલીસના માણસોને બાતમી વાળી જગ્યા પર જઈ તપાસ કરવા મોકલ્યા હતા. જે દરમિયાન પોલીસ ત્યાં જઈ તપાસ કરતા ઇસમના ઘર તથા દુકાનમાંથી ચાઈનીઝ દોરીની 218 નંગ ફિરકીઓ મળી આવી હતી, જેની કિંમત રૂ.26,470 છે. જે તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આરોપી રાકેશ હીરા પ્રજાપતિ વિરુદ્ધ કોઠંબા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આમ, મહિસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...