મહીસાગર જિલ્લામાં આજથી માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મહીસાગર જિલ્લાની લુણાવાડા ARTO કચેરી ખાતે ARTO ઇન્સ્પેક્ટર સહિત કર્મીઓ જિલ્લા ટ્રાફિક PSI સહિત સ્ટાફ, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના મેનજર અને સુપરવાઈઝર સહિત ટીમ અને LNT કંપનીના પ્રતિનિધિ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કરી માર્ગ સલામતી સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજના કાર્યક્રમમાં હાજર તમામ કર્મચારીઓ અને સ્ટાફના માણસો દ્વારા માર્ગ સલામતી અંગેની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
તારીખ 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહ ઉજવાશે. જેમાં મહીસાગર જિલ્લા ટ્રાફિક શાખા અને ARTO કચેરી મહીસાગરના સયુંક્ત ઉપક્રમે અઠવાડિયા દરમિયાન અલગ અલગ માર્ગ સલામતી અંગેના કાર્યક્રમો યોજવામાં આવશે.
આજથી પ્રારંભ થયેલા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત મહીસાગર જિલ્લા ટ્રાફિક જિલ્લામાં અલગ અલગ સ્થળો પર માર્ગ સલામતી અંગેની જાગૃતિ સાથેના બેનરો લગાવી માર્ગ સલામતી માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ખાનગી ગાડીઓના વાહન ચાલકોને ભેગા કરી અને વાહનો મર્યાદિત ગતિમાં ચલાવવા તેમજ વાહન ચલાવતા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અંગેની માહિતી આપવામાં આવી.
તેમજ ખાનપુર તાલુકાની બાકોર સ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓને સીટ બેલ્ટ હેલ્મેટનો ફરજીયાત ઉપયોગ કરવો અને ટ્રાફિકના નિયમો વિશે માહિતી અપાઇ. જેમાં રસ્તો કઈ રીતે ક્રોસ કરવો, ફૂટપાથ પર કઈ રીતે ચાલવું, શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ જતી વખતે રસ્તાઓ પર કઈ રીતે સાવચેતી રાખવી, જેવી અનેક ટ્રાફિક નિયમન અંગેની માહિતી આપવામાં આવી હતી. આ રીતે મહીસાગર જિલ્લા ટ્રાફિક દ્વારા અલગ અલગ સ્થળો પર જઈને વિવિધ માર્ગ સલામતી અંગેના કાર્યક્રમો યોજી લોકોને માહિતી આપવામાં આવી હતી.
આજે લુણાવાડા ARTO કચેરી ખાતે માર્ગ સલામતી સપ્તાહ શુભારંભના કાર્યક્રમમાં ARTO કચેરી મહીસાગર લુણાવાડાના RTO ઇન્સ્પેક્ટર, મહીસાગર જિલ્લા ટ્રાફિક PSI, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના મેનેજર, સુપરવાઈઝર, EMT, LNT કંપનીના પ્રતિનિધિ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.