વિરોધ:સજ્જનપુરમાં ગુગલ સર્વેમાં ખેડૂતોની જમીનોમાં નામ- નકશા બદલાતા વિરોધ

લુણાવાડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીએલઆર શાખા યોગ્ય ચકાસણી કરી માપણી કરે તેવી ગ્રામજનોની માંગ

લુણાવાડા તાલુકામાં સજ્જનપુર ગામે જમીન સર્વે કર્યા બાદ ખેડૂતોના સર્વે નંબરો બદલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જમીનનો ભોગવટો અન્ય ખેડૂત પાસે તો તેની માલિકી અન્ય ખેડૂતના નામે થઇ જતા ખેડૂતો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સજનપુર ગામની રોડ પરની મોટા ભાગની જમીનો ધીમે ધીમે બિલ્ડરો દ્વારા ત્યાં કમ્પાઉન્ડ સહિત રેસીડેન્સ મકાનો બની રહ્યા છે. ત્યારે સ્થાનિક ગ્રામજનો દ્વારા પોતાની જમીનોમાં નામ તેમજ સર્વે નંબરો તેમજ નકશાઓ બદલાતા આશ્ચર્યમાં મુકાયા છે. એક બાજુ જમીન માફિયાઓ દ્વારા ઠેર ઠેર જમીનો એકત્રિત કરવા લાગ્યા છે.

ત્યારે નામો બદલાતા કેટલાક લોકોની જમીનો બારોબાર વેચાઈ ગયા હોવાની પણ બૂમો સામે આવી છે. ત્યારે તાત્કાલિક ધોરણે ડીએલઆર શાખા દ્વારા યોગ્ય ચકાસણી રૂપે માપણી કરવામાં આવે તેવી ગ્રામજનો માગણી કરી રહ્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગામનો મુખ્ય સરકારી માર્ગ ખેડૂતના નામે ચડી ગયો, ગામનુ તળાવ સહિત નાળા પણ કેટલાક ખેડુતોના નામે ચડી જતા એક નવો વિવાદ સામે આવ્યો છે.

ત્યારે ખેડૂતની મૂળ જમીન અન્ય ખેડૂતના નામે થઈ ગઈ હોવાના ખેડૂત આક્ષેપ કરી રહ્યા છે. આમ સર્વે નંબર બદલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઇ ખેડૂતો દ્વારા અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેનો માત્ર દસ દિવસમાં ઉકેલ નહીં આવે તો ગામમાં જવાનો રસ્તો જે ભૂલથી અન્ય ખેડૂતના નામે થયો છે તેને તે ખેડૂત દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...