અપક્ષને મદદ કરનારની હકાલ પટ્ટી:મહીસાગરમાં ભાજપ પ્રમુખ દ્વારા પક્ષ વિરોધીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા; અન્ય કાર્યકર્તાઓમાં ફફડાટ

મહિસાગર (લુણાવાડા)5 દિવસ પહેલા

એક તરફ શિયાળાની ઠંડી જામી છે તો બીજી તરફ મહીસાગરમાં રાજકીય માહોલ ગરમાયો છે. પક્ષ વિરોધ કૃત્ય કરનાર કાર્યકર્તાઓ સામે ભાજપે લાલ આંખ કરી છે ત્યારે જે. પી. પટેલ અને એસ. એમ. ખાંટ બાદ વધુ આઠ કાર્યકર્તાઓની પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ ભાજપમાંથી હકાલ પટ્ટી કરવામાં આવી હતી.

ભાજપના કાર્યકર્તાઓનું અપક્ષને સમર્થન
ગત ગુરૂવારના રોજ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પક્ષ વિરોધીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે પક્ષ વિરોધ કામગીરી કરનાર અન્ય કાર્યકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ પક્ષ છોડીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો જોર-શોરમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે કેટલાક ભાજપના કાર્યકર્તાઓ આ અપક્ષ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર માટે નિકળ્યા હતા.

જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો
આ બાબતની જાણ મહીસાગર જિલ્લા ભાજપને થતાં તાત્કાલિક ધોરણે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાએ આવું પક્ષ વિરોધી કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરી હતી. આમ તેઓને સભ્યપદેથી તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેથી હાલ મહીસાગર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...