પતંગ બજારમાં લોકોનો ધસારો:લુણાવાડામાં ઉત્તરાયણ પર્વની અંતિમ તબક્કાની ખરીદી માટે પતંગ દોરીની દુકાનોમાં ભીડ જામી, વેપારીઓના ચહેરા પર સ્મિત આવી

મહિસાગર (લુણાવાડા)16 દિવસ પહેલા

ઉત્તરાયણ પર્વના હવે માત્ર એક જ દિવસ બાકી છે. તેવામાં લોકો પતંગ દોરીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં બજારોમાં ઉમટી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લાના બજારોમાં અંતિમ તબક્કાની ઉત્તરાયણ પર્વની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે માંઝો પકવવા લોકો વહેલી સવારથી ઉમટી પડ્યા છે. ત્યારે પતંગ દોરીની દુકાનો પર લોકોની ભારે ભીડ જામી છે. ત્યારે આજે રાત્રે મોડે સુધી પતંગ દોરી માર્કેટમાં લોકોની ભારે ભીડ રહેશે.

ઉત્તરાયણના છેલ્લા દિવસોમાં સારો ધંધો
છેલ્લા ત્રણ એક વર્ષના કોરોનાકાળ બાદ આ વર્ષે લોકો મુક્તપણે આનંદ ઉલ્લાસભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. તેવામાં માર્કેટમાં પતંગ દોરી ખરીદવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ત્યારે અવનવી વેરાયટીની પતંગોએ બજારમાં અને ગ્રાહકોમાં આકર્ષણ જમાવ્યું છે. ત્યારે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં વેપારીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકતાં ગ્રાહકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પહેલા માર્કેટ ઠંડુ હતું, પરંતુ ઉત્તરાયણના છેલ્લા દિવસોમાં સારો ધંધો થઈ રહ્યો છે. તો વેપારી આકાશ રાણા દ્વારા લોકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરી આ પર્વને ઉજવીએ. આપણી એક દિવસની મજા બીજા માટે સજા ન બની જાય તેવો પણ સંદેશ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...