મહીસાગર જિલ્લામાં દિવસ દરમિયાનના વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સુમારે ભારે પવન, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તેમજ વીરપુરના ચીખલી, કોયડમ, ધડિયાના ટીંબા, ડેભારી સહિતના ગામોમાં જોરદાર કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ભર ઉનાળે કરા પડતા લોકોએ કરાનો આનંદ માણ્યો હતો, પરંતુ ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એક તરફ ખેતરોમાં રવિ સિઝનનો પાક તૈયાર થઈ ચૂક્યું છે અને કાપણી ચાલી રહી છે. તો અમુક ખેતરોમાં પાક ઉભો છે. તેવામાં માવઠું થતા પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતના માથે પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આગાઉ પણ થોડા દિવસો પહેલા વીરપુર તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ફરી એકવાર કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી વાતાવરણ હાલ ઠંડુગાર બન્યું છે. કોયડમ, ચીખલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કરા એટલી મોટી માત્રામાં પડ્યા હતા, કે જાણે બરફની ચાદર પથરાઈ ગઈ હોય તેવું થોડીવાર માટે લાગી રહ્યું હતું. કરા વરસતા જ લોકોમાં કુતુહલ સર્જાયું હતું. લોકોએ પોતના ઘર આંગણે પડેલ કરાને વાસણમાં એકત્રિત કરી આનંદ માણ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.