રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. આજે નામાંકન પત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પુરુષોત્તમ પટેલે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તથા પ્રદેશ કારોબારી સભ્ય (આમંત્રિત) પદેથી રાજીનામું આપી આજે લુણાવાડા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. હાલ લુણાવાડા વિધાનસભા ભાજપમાં ભંગાણ થયું છે અને રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે જે.પી.પટેલ સાથે પાર્ટીના અન્ય કેટલાક કાર્યકરો પણ જોડાયેલા છે તેવું તેઓએ જણાવ્યું હતું.
ભાજપની ઉમેદવાર પંસદગીથી નારાજ જે.પી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી
પ્રમુખ જયપ્રકાશ પુરુષોત્તમ પટેલે જણાવ્યું હતું કે, મેં આજે 122 લુણાવાડા વિધાનસભામાંથી અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી અને પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે અને મેં મારી ઉમેદવારી અપક્ષમાંથી નોંધાવી છે. હું ચોક્કસ આ વિધાનસભામાંથી વિજય થવાનો છું. આ ઉમેદવારી કરવાનું કારણ ભારતીય જનતા પાર્ટીની સામે મારી કોઈ નારાજગી નથી પણ ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર આપ્યો છેએ ઉમેદવારથી નારાજગી છે. મારા સિવાય કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી હોત તો, મને કોઈ વાંધો ન હતો. મારા કાર્યકર્તાઓ ખૂબ નારાજ થયા.
આ ઉમેદવારી ન્યાન અને અન્યાય સામેની ઉમેદવારી છે...
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેં 2017 પણ ટિકિટ માગી હતી, 2019માં પણ પેટા ચૂંટણીમાં ટિકિટ માગી હતી અને આજે 2022માં પણ ટિકિટ માગી હતી. ન આપે પાર્ટી એનો મને કોઈ વાંધો નથી. મેંતો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો અને સૈનિક તરીકે પણ મેં કામ કર્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં આખો દેશ ચાલતો હોય તો મારી શું હેસિયત છે કે, હું તેમની સામે કામ કરૂં. મારી પાર્ટી સામે નારાજગી નથી પણ ઉમેદવાર સામે નારાજગી છે. ત્યારે મારા 1000 કાર્યકર્તાઓએ આવીને મને કાલે કીધું કે, સાહેબ આપડે ઉમેદવારી કરવી પડે, આ ઉમેદવારી ન્યાન અને અન્યાય સામેની ઉમેદવારી છે, સત્ય અને અસત્ય સામેની ઉમેદવારી છે, ધર્મ અને અધર્મ સામેની આ ઉમેદવારી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભય અને ભ્રષ્ટાચાર સામે લાચાર બની ગ્યા એના કારણે આ ઉમેદવારી કરવી પડી છે.
છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા જે.પી પટેલ
જયપ્રકાશ પુરુષોત્તમ પટેલ વર્ષ 1991થી ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી સક્રિય સભ્ય હતા. તેઓ પંચમહાલ જિલ્લા યુવા મોરચામાં પૂર્વ મહામંત્રી પણ રહી ચુક્યાં છે. પંચમહાલ જિલ્લામાં યુવા મોરચાના પૂર્વ પ્રમુખ, પંચમહાલ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ (બે ટર્મ) મહીસાગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ, ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી, આમંત્રિત સભ્ય પણ રહી ચૂક્યાં છે. પટેલ જયપ્રકાશ પુરુષોત્તમ લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. જેમણે 2007માં સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ભાજપ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ કોંગ્રેસના પરાજયાંદિત્યસિંહ પરમાર સામે 8807 મતોથી હાર થઈ હતી. બાદમાં સંતરામપુર વિધાનસભા ST અનામત જાહેર થતા જે.પી પટેલે લુણાવાડા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાનું મન બનાવ્યું હતું અને છેલ્લી 2 ટર્મથી લુણાવાડા બેઠકની ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા હતા.
વિવિધ ક્ષેત્રે જે.પી પટેલનું યોગદાન
ઉપરાંત ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ પ્રમુખ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખ, ગુજરાત મા.અને ઉ.માં શિક્ષણ બોર્ડ ગાંધીનગર (6 ટર્મ) ડિરેકટર, ડિરેકટર મહીસાગર જિલ્લા ખરીદ વેચાણ સંઘ લુણાવાડા, ટ્રસ્ટી સરદારધામ અમદાવાદ, ચેરમેન ધી સત્યપ્રકાસ કો.ઓ ક્રેડિટ સોસાયટી (પાંચ ટર્મ) ચેરમન, ધી જાનવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી, પ્રમુખ મહીસાગર જિલ્લા માધ્યમિક શાળા સંઘ, ઉપ પ્રમુખ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ, સંયોજક મુરલીધર વિદ્યાલય, પૂર્વ ચેરમન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (ત્રણ ટર્મ), પૂર્વ ચેરમેન ધી અર્બન કો.ઓપરેટિવ બેન્ક (છ ટર્મ), પૂર્વ પ્રમુખ પંચમહાલ-મહીસાગર જિલ્લા આચાર્ય સંઘ, પૂર્વ પ્રવક્તા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ તરીકે પણ તેમણે ફરજ બજાવી છે.
ત્યારે હવે મહીસાગર જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સાથે હવે અપક્ષ ઉમેદવાર પણ મેદાને છે અને તે પણ ભાજપના દિગગજ નેતા. ત્યારે હવે પરિણામ તો આવનારો સમય જ બતાવશે અને પ્રજા કોને પસંદ કરે છે, તે મત ગણતરીના દિવસે ખબર પડશે. પરંતુ હાલ લુણાવાડા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે અને હાલ ચાર પંખીયો જંગ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.