મહીસાગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બનાવટી દૂધ અને ઘીનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાડોડથી કોલવણ જવાના રસ્તા પર આવેલ માધવ ડેરી ફાર્મમાં ડુપ્લિકેટ દુધ વેચાતું હોવાની માહિતી મળતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ત્યાં પહોંચી દૂધના સેમ્પલ લીધા હતા . આ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકતની જાણ થશે. લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર તેમ ચાર તાલુકામાં પંચામૃતની 580 કરતાં પણ વધું ડેરી છે. વીરપુર, બાલાસિનોરમાં અમૂલની 187 તેમ મળી જિલ્લામાં કુલ 767 કરતા વધું ડેરીઓ છે. જયારે અન્ય પ્રાઇવેટ ડેરીઓ પણ અસંખ્ય છે.
ત્યારે જિલ્લામાં પશુપાલકો દૂધ તથા ફેટ વધારવા પ્રોસ્ટિક પાઉડર અને અન્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી નકલી દૂધ બનાવી લોકોને અસલી દૂધ તરીકે વેચી રહ્યા હોવાની ચર્ચા આવી હતી. હાડોડથી કોલવણ જવાના રસ્તા પર આવેલ શ્રી માધવ ડેરી ફાર્મમાં પણ ડુપ્લિકેટ દૂધનું વેચાણ થતું હોવા અંગે માહિતી મળી હતી.
ડેરી ફાર્મ પરથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા
જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા શ્રી માધવ ડેરી ફાર્મ પરથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ખાતરી થશે કે દૂધ ડુપ્લિકેટ છે કે કેમ. આ અંગે કોઠંબા પોલીસ મથકમાં જાણવા જોગ પણ આપવામાં આવી છે.
દૂધ મંડળીમાં દૂધમાં ગોલમાલ
રિપોર્ટ આવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગત વર્ષે સાધકપુર સહકારી દૂધ મંડળીમાં દૂધમાં ગોલમાલ હોવાથી પંચામૃત ડેરી દ્વારા સીલ મરાયું હતું. પ્રાઇવેટની સાથે સાથે સહકારી ડેરીઓમાં પણ દૂધમાં ગોલમાલ કરાતી હોય ત્યારે તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
દૂધ બનાવવાનો પાઉડર બજારમાં સરળતાથી મળી રહે છે
ડુપ્લિકેટ દૂધનું બનાવવાનો પાઉડર બજારમાં સરળતાથી મળી રહે છે તે પણ વેચાણ કરતા મોઢું જોઈ આપતા હોય છે. પરંતુ ડુપ્લિકેટ પાઉડરનો વ્યવસાય કરનાર લોકોને આ આરોગ્યને નુકસાન કરતો પાઉડર પણ સહેલાઈથી મળી રહે છે.
10 લિ. પાણીમાંથી 10 લિ દૂધ બને છે
બનાવટી દૂધ બનાવવા માટે દૂધના ધંધાથીઓ અથવા પશુપાલકો બજારમાંથી પ્રોસ્ટિક પાવડરની 1 કિલોની બેગ જે 170 થી 180માં મળે છે. તે લઈ 10 લીટર પાણીમાં નાખવાથી 20 લીટર દૂધ બને છે. જે 17 રૂપિયે એક લિટરમાં પડે છે અને બજારમાં આસાનીથી 50 રૂપિયે વેચાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.