કમોસમી વરસાદે ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવ્યું:મહિસાગરમાં માવઠાંથી વિવિધ પાકો નિષ્ફળ જતાં ખેડૂતો ચિંતામાં, નુકસાનનો સર્વે કરી વળતર આપવા માગ કરવામાં આવી

મહિસાગર (લુણાવાડા)11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. આકાશમાં વાદળોની સાથે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. ત્યારે મોડી સાંજ બાદ એકાએક આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને મધ્યરાત્રીએ લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે. એક તરફ રવિ સિઝનના પાકો તૈયાર થઈ ચૂક્યા છે અને તેની કાપણી ચાલુ છે તો બીજી બાજુ કેટલાક ખેતરોમાં તૈયાર થયેલો પાક ઊભો છે. તેવામાં આફત બની વરસેલા કમોસમી વરસાદે ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે. બીજી બાજુ પશુઓ માટેના ઘાસચારાને પણ નુકસાન પોહચ્યું છે.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં માર્ચ મહિના દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી હતી જેને લઈ મહિસાગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવારે વહેલી સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયા હતા અને દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં કડાણા સંતરામપુર સહિતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દિવસ દરમિયાન છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. તો મોડી સાંજે વીરપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કરા સાથે વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર જાણે બરફની ચાદર ફેલાઈ હોય તે રીતના દૃશ્યો વીરપુર તાલુકાના કોયડમ, ડેભારી, ચીખલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવ્યા હતા.

મધ્યરાત્રીએ ફરી એકવાર લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર કાંઠા,સોનેલા, ચરેલ ચાવડીયા, વેલણવાડા સહિતના ગામો અને આસપાસના વિસ્તારમાં ભારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ અને કરા પડ્યા હતા. જેથી ખેડૂતના તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું છે તો ખેડૂતો વરસાદમાં નુકસાન પહોંચેલા પાકને લઈ ચિંતિત જોવા મળ્યા છે પોતાના તૈયાર કરેલા પાકનો યોગ્ય ભાવ મળે અને વરસાદમાં નુકસાનનો યોગ્ય સર્વે કરી નુકસાનીનું વળતર મળે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...