એક તરફ સરકાર ખાતર પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળે છે તેવો દાવો કરી રહી છે. તો બીજી બાજુ વાસ્તવિકતા કંઈક અલગજ હોય તેવા દૃશ્યો મહીસાગરથી સામે આવ્યા છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતેના પ્રધાનમંત્રી સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખાતર ખરીદવા ખેડૂતો મોટી સંખ્યામાં લાઇન ઉભા જોવા મળ્યા હતા અને ખેડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા પડાપડી કરી રહ્યાં હતા. ત્યારે કડકડતી ઠંડીમાં વહેલી સાવરથી ખેડૂતો લાઈનોમાં ઉભા હોવા છતાં હજી સુધી નંબર આવ્યો નથી અને ભૂખ્યે-તરસે ખાતર ખરીદવા લાઇનમાં ઉભા છે. તેવામાં ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે, તેઓને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી. કેટલાક ઉંમરલાયક ખેડૂતો પણ સવારથી ખાતર ખરીદવા લાઈનમાં ઉભા રહ્યાં હતા.
બીજી તરફ ખાતર ખરીદવા મોટી સંખ્યામાં મહિલાઓ પણ લાઈનમાં ઉભી રહી હતી. ત્યારે આ દરમિયાન તેમને પૂરતી માત્રામાં ખાતર આપવા માટે પણ ખેડૂતો આગ્રહ કરી રહ્યા છે. એટલું જ નહીં ખેડૂતોએ તો સૂત્રોચ્ચારનો પણ સહારો લીધો હતો. કલાકોથી લાઈનોમાં ઉભા રહ્યા છતાં તેમને ખાતર મળી રહ્યું નથી જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.