"જૂની પેન્શન યોજના ફરી લાગુ કરો":ગણપતિ વિસર્જન દરમિયાન શિક્ષકોએ પોતાની માગો સાથે અનોખો વિરોધ કર્યો; સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિસર્જન કરવામાં આવ્યું

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા

રાજ્યભરમાં અલગ અલગ વિભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા સહિતની અલગ અલગ પોતાની માગણીઓને લઈ વિરોધ રેલી, ધરણા યોજી પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નવા કારવા ગામે કર્મચારીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ગણપતિ સ્થાપનના આજે પાંચ દિવસ થયા છે ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તેવામાં કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજનાને પુનઃ શરૂ કરવા સહિતની અનેક માગો સાથે વિરોધ નોંધાવી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

જૂની પેન્શન યોજનાને પુનઃ શરૂ કરવા સહિતની અનેક માગો સાથે વિરોધ
વિસર્જન યાત્રામાં લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ બિપિનભાઈ પટેલ સહિત ગામના લોકો અને તેમના બાળકો દ્વારા હાથમાં બેનરો લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટેની લડતને સમર્થન આપ્યું હતું. સાથે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂની પેન્શન યોજનાનો અમલ કરાવશે તે પક્ષને જ વોટ આપીશું. તેમજ કર્મચારીઓ અને ગામના લોકો દ્વારા કર્મચારીઓની માંગો જલ્દીથી સરકાર સ્વીકારે તેવી ગણપતિ દાદાને પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...