મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. શનિવારે રાત્રે ફરી એકવાર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત લુણાવાડા તાલુકાના વરધરી વિસ્તારમાં આવેલા ધામોદ, લાલસર, કીડીયા, વખતપુર, સાધકપુર સહિતના આસપાસના ગામો અને વિસ્તારમાં વાવાઝોડા સાથે ગાજવીજ અને કરા સાથે વરસાદ પડ્યો છે. ત્યારે સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં ઘઉં, ચણા, મકાઈ, રાયડો, બાજરી, દિવેલા સહિતનો રવિ સીઝનનો પાક તૈયાર થયેલો છે અને કાપણીના આરે છે. તેમજ ઘણાં ખરા ખેતરોમાં હાલ પાકની કાપણી ચાલી રહી છે. તે સમય દરમિયાન આફત રૂપી કમોસમી વરસાદ વરસતા ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
છેલ્લા 20 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેને લઈને મહીસાગર જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે સતત બીજા દિવસે શનિવારે રાત્રે પણ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાનીની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગતરોજ રાત્રે વરસેલા વરસાદથી લુણાવાડા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારો તેમજ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદથી ખેતીના પાકને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આજે ફરીથી સતત બીજા દિવસે પણ વાવાજોડા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાના કારણે ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની માગ છે કે, નુકસાની અંગેનું યોગ્ય રીતે સર્વે કરવામાં આવે અને તેનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.