વિધાનસભા ચૂંટણી તારીખો જાહેર થતા જ રાજકીય પક્ષો દ્વારા વિવિધ બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકો પર ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આજે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે ફાઇનલી 37 બાકી વિધાનસભા ઉપર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં મહીસાગર જિલ્લાની ત્રણે વિધાનસભા પર ઉમેદવારો જાહેર કરાયા છે અને આ ત્રણે વિધાનસભા બેઠકો પર ત્રણે ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે.
બાલાસિનોર બેઠક પર અજીતસિંહ ચૌહાણ રિપીટ
121 બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે. અજિતસિંહ ચૌહાણ બાલાસિનોર વિધાનસભાના કદાવર નેતા છે. જેઓ વર્ષ 1980થી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકર છે અને ગત પંચવર્ષીમાં તેઓ બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષે અજિતસિંહને રિપીટ કરીને આ વખતે પણ ચૂંટણી લડવા મેદાને ઉતાર્યા છે. ત્યારે અજિતસિંહને ટિકિટ મળતા સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે.
લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ રિપીટ
122 લુણાવાડા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે. વર્ષ 2019માં લુણાવાડા વિધાનસભા બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહને ટિકિટ આપી હતી, જેમાં ભાજપના જીગ્નેશ સેવકનો વિજય થયો હતો. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહને રિપીટ કર્યા છે. ગુલાબસિહ કોંગ્રેસના દિગગજ નેતા છે, તેમજ તેઓ OBC સમાજમાંથી આવે અને OBC સમાજમાં પ્રભુત્વ ધરાવે છે. ત્યારે તેઓ રિપીટ થતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે. તેમના સમર્થકો ગુલાબસિંહના નિવાસ સ્થાને પોહચી તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા છે.
સંતરામપુર બેઠક પર ગેંદાલ ડામોર રિપીટ
123 સંતરામપુર વિધાનસભા બેઠક પરથી પણ કોંગ્રેસે ગેંદાલ ડામોરને રિપીટ કર્યા છે. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગેંદાલ ડામોરને ટિકિટ આપી હતી, જે ઇલેક્સનમાં તેઓનો પરાજય થયો હતો અને ભાજપના ડો.કુબેર ડીંડોર સંતરામપુર બેઠક પરથી વિજય બન્યા હતા. ગેંદાલ ડામોર વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં સંતરામપુર બેઠક પરથી વિજય બન્યા હતા. ત્યારે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કદાવર નેતાને ફરીથી ચૂંટણી લડવા મેદાને ઉતાર્યા છે, ત્યારે તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.