ઉત્તરાયણના તહેવારને હવે થોડાજ દિવસો બાકી રહ્યા છે. તેવામાં માર્કેટમાં પતંગ દોરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસની લાખ જોવા મળી છે. જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમોની અટકાયત કરી ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી રહી છે. તેવામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાંથી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.
રેડ કરીને કુલ 21.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
મહીસાગર જિલ્લાની બાલાસિનોર પોલીસે બાતમી આધારે શહેરની જી.આઈ.ડી.સીમાં પ્લોટ નંબર C/146ના ગોડાઉનમાંથી પ્રતિબંધિત ઘાતકી ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં જી.આઈ.ડી.સી.ના ગોડાઉનમાં ઈદ્રિશ ઈસાક શેખ જે બાલાસિનોરનો રહેવાસી છે. તે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં સ્ટોક કરી વેચાણ કરતો હતો. જેવી બાતમી બાલાસિનોર પોલીસને મળી હતી. જે બાદ પોલીસે ત્યાં રેડ કરી હતી. જ્યાં પોલીસને કુલ ફીરકી 12,542 નંગ મળી આવી છે. જેની કુલ કિંમત રૂપિયા 21 લાખ 28 હજાર 180 છે. તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ઈદ્રીશ શેખ સામે બાલાસિનોર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોડાઉન ખાતે કુલ ફિરકી નંગ 12,532 મળી આવી
સમગ્ર મામલે બાલાસિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર એન.એ.નિનામ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આજરોજ બાલાસિનોર પોલીસને બાતમી મળી હતી કે, બાલાસિનોર જી.આઈ.ડી.સી ખાતે પ્લોટ નંબર C/146ના ગોડાઉનમાં ઈદ્રિશભાઈ ઇસકભાઈ શેખ જે બાલાસિનોરના રહેવાસી છે. જે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું સ્ટોક કરી અને વેપાર કરે છે. જે ગોડાઉન ખાતે તાપસ કરતા કુલ ફિરકી નંગ 12,532 જેની કિંમત રૂપિયા 21,28,180ની ગણી શકાય. જે તમામ મુદ્દામાલ તપાસના કામે જપ્ત કરવામાં આવેલા છે. તથા ઈદ્રિશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ ચાલુ છે.
2 દિવસમાં ચાઈનીઝ દોરીના વેચાણના 3 કિસ્સા સામે આવ્યા
તો બીજી તરફ મહીસાગર SOGએ પણ ચાઈનીઝ દોરી વેચાણ પર બાતમી આધારે રેડ કરી હતી. જેમાં લુણાવાડા શહેરના કસ્બા જવાહર રોડ ખાતે રહેતો ગફુરખાન અહેમદખાન પઠાણ જે પોતાના ઘરે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો. જ્યાં પોલીસે રેડ કરી ચાઈનીઝ દોરીના 75 નાના મોટા ફિરકા ઝડપી પાડ્યા હતા. જેની કુલ કિંમત 28,500 છે. તેમજ આરોપીની અટકાયત કરી લુણાવાડા પોલીસ સ્ટેશનના ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ગતરોજ પણ જિલ્લામાંથી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જિલ્લા LCBએ બાતમી આધારે લુણાવાડા તાલુકાના નવા રાબડીયા તેમજ હાડોડ ખાતેથી કુલ 64 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા ઝડપી પાડ્યા હતા જેની કિંમત 25,600 હતી. તેમજ આ સાથે પોલીસે 4 આરોપીઓની પણ અટકાયત કરી કોઠંબા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.