જન્મદિવસે જ ધારાસભ્યને મળી ભેટ:લુણાવાડા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય જીજ્ઞેશ સેવકને ભાજપે રિપીટ કર્યા, સમર્થકોમાં ખુશી જોવા મળી

મહિસાગર (લુણાવાડા)23 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પૈકીની 122 લુણાવાડા વિધાનસભા બેઠક પરથી હાલના ધારાસભ્ય જીજ્ઞેશ અંબાલાલ સેવકને ફરીથી ટિકિટ મળી છે, ત્યારે બીજી બાજુ આજે જીજ્ઞેશ સેવકનો જન્મ દિવસ પણ છે, ત્યારે જન્મદિવસે જ જીગ્નેશ સેવકનું નામ જાહેર થતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે.

નામ જાહેર થતા તેમની માતાના અને મહાદેવના દર્શન કર્યા
જીજ્ઞેશ સેવકનું નામ ધારાસભ્ય પદ માટે ફરીથી રિપીટ થતાં સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે, ત્યારે આજે જીજ્ઞેશ સેવકનો જન્મદિવસ પણ છે. આજે તેમનું નામ જાહેર થતા તેમના માતાના આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ લુણાવાડા ખાતે સ્થિત લૂણેશ્વર મહાદેવ મંદિર ખાતે સમર્થકો સાથે દર્શનાર્થે પહોંચ્યા હતા અને મહાદેવના દર્શન કર્યા હતા.

2019ની પેટા ચૂંટણીમાં જીજ્ઞેશ સેવક જીત્યા હતા
લુણાવાડા વિધાનસભા બેઠક પર 2017ની ચૂંટણીમાં કોંગ્રેસથી નારાજ થયેલા રતનસિંહ રાઠોડ અપક્ષ તરીકે પોતાની દાવેદારી નોંધાવી હતી. ત્યાર બાદ તેઓનો આ બેઠક પર વિજય થયો અને બાદમાં તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યાર બાદ તેમને પંચમહાલ લોકસભાના સાંસદ પદ માટે પણ ઉમેદવાર જાહેર કરાયા અને તેઓ જીતી ગયા જેથી લુણાવાડા વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જેમાં 2019માં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે જીજ્ઞેશ સેવકને ટિકિટ આપી હતી અને તેઓ ચૂંટણી લડીને વિજય મેળવ્યો હતો. ત્યારે ફરીથી ભાજપે તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...