મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાવાપૂર ગામે જિલ્લા ક્લેક્ટરના અઘ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી. રાત્રી ગ્રામસભામાં ઉત્સાહભેર લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી.
ગ્રામજનો અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવતી પ્રજાના ઘર આંગણે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી ગ્રામસભામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ગામના સરપંચ, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ તમામ અધિકારીઓએ તેમના વિભાગને લગતી યોજનાઓની માહિતી તથા થયેલા પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યુ હતું.
જિલ્લા કક્ષાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યાં હતા. વ્યક્તિગત તેમજ સામૂહિક યોજના અંગે પ્રશ્નો જેવા કે રોડ રસ્તા, પાણીની સમસ્યા, આંગણવાડી પાસે સુરક્ષા દીવાલ ગ્રામજનોએ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીને સુચના આપી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર-રાજ્ય સરકાર લોકોની સંતૃપ્તી અને માનવ સૂચકઆંક વધારવા માટે વિવિધ યોજનાઓ થકી ઘણા પ્રયત્નો કરે છે. ધણીવાર જાગૃતતાના અભાવે, પૂરતી માહિતી ન હોવાના કારણે યોજનાઓ લોકો સુધી પહોંચતી નથી. જેથી લોકો તેનો પુરતો લાભ ઉઠાવી શકતા નથી. જ્યારે જ્યારે ગ્રામ્ય-તાલુકા-જિલ્લા લેવલનું વહીવટીતંત્ર આપના ગામે પહોંચે ત્યારે પહોંચેલા તંત્ર સુધી તમે લોકો પહોંચો જેથી કરીને પ્રજા કલ્યાણની યોજનાઓથી તમે વિમુખ ન રહો.
આપના ગામમાં શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા, પીવાના પાણી, યોજનાઓ કે પછી વિકાસના કામોમાં આપને પડતી મુશ્કેલીઓ તથા પ્રશ્નો હોય તો આપ નિસંકોચ આ ગ્રામ સભામાં રજૂ કરી શકો છો. કોઈપણ વ્યક્તિ યોજના માટે પાત્રતા ધરાવતો હોય તે રહી ન જાય અને સો ટકા યોજનામાં સિદ્ધિ હાંસલ કરવાની આપણી નેમ છે. જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ, આયુષ્યમાન કાર્ડ, વૃદ્ધ પેન્શન યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણ સુધા યોજનાનો પણ ગ્રામજનો લાભ ઉઠાવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.