રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં આજે વધુ એક અકસ્માતની ઘટના મહીસાગર જિલ્લામાં બની છે. જ્યાં વહેલી સવારે એક એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે. જેમાં લુણાવાડા તાલુકાના થાણાસાવલી ગામે કેનાલનું સમારકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન કેનાલના નાળામાં એસ.ટી.બસ ખાબકી હતી. જેમાં એસ.ટીના ચાલકને ઇજાઓ પહોંચી છે.
રાજ્યમાં હોળીના પર્વને લઈ એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને પોતાના વતન પહોંચાડવા માટે ખાસ એક્સ્ટ્રા બસોની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે કામ ધંધાર્થે રાજ્યના અલગ અલગ મોટા શહેરોમાં રહેતા શ્રમિકો માટે અમદાવાદ-ગાંધીનગરથી દાહોદ સુધી એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. ત્યારે આવીજ એક ગાંધીનગર ડેપોની એક્સ્ટ્રા બસને આજે રવિવારે વહેલી સવારે અકસ્માત નડ્યો છે. જેની પ્રાથમિક વિગત મુજબ ગાંધીનગર અમદાવાદ તરફથી મુસાફરો ભરીને દાહોદ જઈ રહેલી એક્સ્ટ્રા બસ મુસાફરોને ઉતારી પરત ફરી રહી હતી.
તે સમયે લુણાવાડા તાલુકાના થાણાસાવલી ગામ પાસે કેનાલમાં નાળુ નાખવાનું કામ ચાલું હતું. તે જગ્યાએ આ એસ.ટી બસ તે નાળાના ખોદેલા ખાડામાં પડી હતી. સમગ્ર બનાવ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા ગાંધીનગર ડેપો મેનેજર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બસ ખાડામાં ખાબકતા ડ્રાઇવરને હાથના કાંડાના ભાગે ફ્રેક્ચર થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કંડક્ટરને સામાન્ય ઇજાઓ પહોંચી છે. જ્યારે એસ.ટી.બસને થોડું ઘણું નુકસાન પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બસ મુસાફરોને ઉતારી પરત જઈ રહી હતી. ત્યારે આ બનાવ બન્યો છે. જેથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ મુસાફરો ભરેલી બસ હોત તો એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પણ સદનસીબે સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.